રાજકોટઃ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’માં સુરેન્દ્રનગરના દેદાદરા ગામની 700 વર્ષ પ્રાચીન ‘ટાંગલિયા’ હસ્તકલા આકર્ષણનું કેન્દ્ર બની. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવ રાઠોડ દ્વારા પ્રદર્શિત આ કલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી હવે વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે.
હોલિવૂડ ફિલ્મ ‘F1’માં ટાંગલિયા આર્ટનો વૈભવ
ટાંગલિયા હસ્તકલાની ખ્યાતિ હવે માત્ર ભારત પૂરતી સીમિત રહી નથી. તાજેતરમાં હોલિવૂડની ફિલ્મ ‘F1’ માં ટાંગલિયા આર્ટના શર્ટનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ડોક્યુમેન્ટ્રીમાં પણ આ કલાના મહત્ત્વને ખાસ સ્થાન અપાયું છે. ટાંગલિયા કલાની મૌલિકતા જાળવી રાખવા તેને ‘જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન’ (GI) ટેગ અપાયો છે.
જટિલ ‘દાણા ગૂંથણી’ પદ્ધતિ
ટાંગલિયાની મુખ્ય વિશેષતા તેની અત્યંત જટિલ ‘દાણા ગૂંથણી’ પદ્ધતિ છે. આ કોઈ મશીન વર્ક કે અલગથી કરેલું ભરતકામ નથી. હાથશાળ પર કાપડ વણતી વખતે જ દોરાની સાથે ઊન કે સૂતરના નાના મણકા જેવા ‘ટાંકા’ ગૂંથીને આકૃતિ તૈયાર કરાય છે.

