સુરતમાં હજીરાના દરિયામાં રોમાંચક બોટસ્પર્ધા દરમિયાન 3 હોડી પલટી

Wednesday 21st January 2026 06:04 EST
 
 

સુરતઃ દરિયા કાંઠાના વિસ્તારોમાં દર વર્ષે યોજાતી પરંપરાગત હોડી સ્પર્ધાનો આકર્ષણનું કેેન્દ્ર રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બે સ્પર્ધા યોજાઈ રહી છે. જેમાં રવિવારે યોજાયેલી હોડી સ્પર્ધામાં રસાકસી વચ્ચે 3 હોડી અચાનક પલટી જતાં ઊહાપોહ સર્જાયો હતો. સ્પર્ધા રોમાંચક તબક્કામાં પહોંચી હતી, ત્યારે જ અચાનક દુર્ઘટના બનતાં અફરાતફરી સર્જાઈ હતી. નાવિકોના જણાવ્યા પ્રમાણે પવને એકાએક દિશા બદલતાં હોડી પલટી હતી. જો કે ઘટનામાં નાવિકોનો બચાવ થયો હોય જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, રવિવારે હજીરા તટથી ઓએનજીસી બ્રિજ પાસે મગદલ્લા ગામ સુધી 21 કિલોમીટર સુધીની હોડી સ્પર્ધા યોજાઈ હતી. રાજ્ય સરકારના મંત્રાલય, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત હોડી સ્પર્ધામાં સઢવાળી હોડીઓએ ભાગ લીધો હતો. દરિયાકાંઠા વિસ્તારના ગ્રામજનોએ હોડી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 10 જેટલી સઢવાળી હોડીઓએ સ્પર્ધાના આરંભથી જ જોશ સાથે રેસ લગાવી હતી. દરમિયાન એકાએક પવને દિશા બદલતાં અથવા તો અચાનક તેજ ગતિએ ઊંધી દિશામાં પવન ફૂંકાતાં ત્રણ જેટલી હોડી વારાફરતી પલટી ખાઈ ગઈ હતી.


comments powered by Disqus