મહેસાણાઃ જિલ્લામાં શિલ્પ સ્થાપત્યનો ઐતિહાસિક વારસો ધરાવતા મોઢેરા સૂર્યમંદિર ખાતે ઊજવાઈ રહેલા બેદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું સમાપન થયું હતું. ઉત્તરાર્ધ ઉત્સવના બીજા દિવસે કલાકારોને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે કલાકાર મનિકંદન એ. દ્વારા કથકલી, ખુશ્બૂ પંચાલ દ્વારા કથ્થક, જુગનુ કિરણ કાપડિયા દ્વારા ભરતનાટ્યમ્, ડો. માપુરી મજમુદાર દ્વારા કુચિપુડી, ડો. ડિમ્પલ સાઇકિયા દ્વારા સતરિયા, પુષ્પિતા મિશ્રા દ્વારા ઓડિશી અને આર્યા નંદે દ્વારા ઓડિશી નૃત્યની પ્રસ્તુતિ કરીને કલારસિકોને નૃત્ય રસપાન કરાવ્યું હતું. આ મહોત્સવનું મહત્ત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિ સાથે પારંપરિક અને સાંસ્કૃતિક મહાત્મ્ય દર્શાવે છે. ઉત્તરાર્ધ મહોત્સવના અંતિમ દિવસે કલારસિકોએ વિવિધ કૃતિઓનો ભરપૂર આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ ભરતનાટ્યમ્ જેવી કલા શીખવતી ઇન્સ્ટિટ્યૂટ મહેસાણામાં પણ શરૂ કરવા સૂચવ્યું હતું.

