સૌરાષ્ટ્ર દેશના સૌથી મોટા મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ તરીકે વિકસશે

Wednesday 21st January 2026 05:22 EST
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રને દેશના સૌથી મોટા મલ્ટિ સેક્ટર મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા ખાસ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન (SaER) પરના સેમિનારમાં થયેલી ચર્ચા મુજબ વર્ષ 2047 સુધીમાં આ વિસ્તારમાં અંદાજે 60 લાખ નવી રોજગારીની તકો ઊભી કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ 2046-47 સુધીમાં સૌરાષ્ટ્રના જીડીપીને 15 ગણો વધારીને રૂ. 57.6 લાખ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયેલે આ આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું કે, ગુજરાતનો લાંબા ગાળાનો રિજનલ માસ્ટર પ્લાન અન્ય રાજ્યો માટે રોલમોડેલ છે.
ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિઝન હેઠળ સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં સંકલિત એક્સપોર્ટ ઝોન વિકસાવવા પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. આ વિકાસયાત્રામાં સિરામિક્સ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ ગુડ્સ અને પ્રવાસન ક્ષેત્ર મુખ્ય ચાલકબળ બની રહેશે. આ માસ્ટર પ્લાનના અમલીકરણ માટે 7 મોટા પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર ડિફેન્સ ઇનોવેશન ક્લસ્ટર, રાજકોટ ખાતે મેગા ફૂડ પાર્ક, પ્રાદેશિક એરોસિટી, દેશનો સૌથી મોટો ઇકો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને ઓટોપાર્ટ્સ હબ જેવા મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોનો સમાવેશ થાય છે. આ તમામ માળખાગત સુવિધા માટે વર્ષ 2047 સુધીમાં અંદાજે રૂ. 11 લાખ કરોડના મૂડીરોકાણની જરૂરિયાત રહેશે, જેમાં 80 ટકા રોકાણ ખાનગી ક્ષેત્ર અને અન્ય સ્ત્રોતો દ્વારા મેળવવાનું આયોજન છે.
ગ્રીટના સીઈઓ એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનાં એમએસએમઈ એકમોએ હવે પરંપરાગત પેઢીગત વ્યવસાયથી બહાર આવીને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવાં મોટાં સાહસોમાં રૂપાંતરિત થવું પડશે. બીજી તરફ કેન્દ્રીય અધિક સચિવ અજય ભાદુએ ભાર મૂક્યો હતો કે, સૌરાષ્ટ્ર હવે માત્ર કાચા માલના સપ્લાયર તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ સિસ્ટમ અને સોલ્યુશન પ્રોવાઇડર તરીકે પોતાની ઓળખ ઊભી કરે તે અનિવાર્ય છે. નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે રૂ. 25060 કરોડના બજેટ સાથે નવા એક્સપોર્ટ પ્રમોશન મિશનની પણ વિગતો આ તકે રજૂ કરાઈ હતી.
પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગના સચિવ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, આ પ્લાન અંતર્ગત ઔદ્યોગિક, શહેરી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે 70થી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાલ આયોજનના તબક્કે છે, જે સૌરાષ્ટ્રની કાયાપલટ કરશે.


comments powered by Disqus