રાજકોટઃ 25 વર્ષ પહેલાં વર્ષ 2001માં 26 જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપની ફરી યાદ અપાવતા આંચકાનો સિલસિલો શરૂ થયો છે. ચાલુ જાન્યુઆરી મહિનાના 17 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવા અને મધ્યમ પ્રકારના 21 ધરતીકંપના આંચકા નોંધાયા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપની 5 ફોલ્ટલાઇન છે. તેમાં સૌરાષ્ટ્રની મેઇન ફોલ્ટલાઇન અને કચ્છની મેઇન ફોલ્ટલાઇન સક્રિય થતાં ધરતીકંપના આંચકા વધ્યા છે. જાન્યુઆરીના 17 દિવસમાં આવેલા આંચકાની જમીનની ઊંડાઈ 11-12 કિલોમીટર નીચે છે. અપવાદરૂપ એક-બે આંચકા જ 20 કિલોમીટર જમીનની નીચે હોવાનું જાણવા મળ્યું છે. સૌથી વધુ આંચકા રાજકોટના ઉપલેટા અને ધોરાજીમાં નોંધાયા છે. આ ઉપરાંત પોરબંદર, અમરેલી, તાલાલા, ભચાઉ, ખાવડા, રાપર, ધોળાવીરામાં આંચકા નોંધાયા છે. 3થી વધુ તીવ્રતાના 12 આંચકા માત્ર સૌરાષ્ટ્રમાં નોંધાયા છે, જ્યારે 2.0થી વધુ તીવ્રતાના 14 આંચકા,4.1ની તીવ્રતાનો એક આંચકો આવ્યો છે.

