વડોદરાઃ હરણી બોટકાંડમાં મૃત્યુ પામેલાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિના દિવસે પ્રજ્ઞાચક્ષુ એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીડિત પરિવારોની સાથે વોર્ડ-15ના મ્યુનિસિપલ કાઉન્સિલર આશિષ જોષી અને કરણીસેનાના મહેન્દ્રસિંહ રાઠોડ હાજર રહ્યા હતા. બીજી તરફ ન્યૂ સનરાઇઝ સ્કૂલની સામે પીડિત પરિવારો દ્વારા રૂ. 16.61 કરોડના વળતરનો દાવો પણ કરાયો હતો.
બે વર્ષ પહેલાં 18 જાન્યુઆરી 2024ની સાંજે વડોદરાના હરણી તળાવમાં બોટ ડૂબતાં ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 માસૂમ બાળકો અને 2 નિર્દોષ શિક્ષિકાના જીવ ગયા હતા. આ માસૂમોનાં મોત પછી સરકારે વાયદો કર્યો હોવા છતાં આરોપીઓને બે વર્ષ પછી પણ સજા મળી શકી નથી. એટલું જ નહીં આરોપીઓ સરકારી કાર્યક્રમોમાં હાજર પણ થઈ રહ્યા છે. બે વર્ષ પછી પણ પીડિતોને ખબર નથી કે એસઆઇટીનો અહેવાલમાં શું છે અને શું કાર્યવાહી કરી છે. બીજી તરફ ન્યૂ સનરાઇઝ સ્કૂલના સંચાલકોની બેદરકારી છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. હરણી લેક ઝોન સંભાળનારા પ્રોજેક્ટના ભાગીદારો કોટિયા બંધુઓ પર પોલીસ અને સરકાર મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે. કોર્ટની ટકોર બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

