હેરોથી ભુજ પહોંચેલા NRI વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1.11 કરોડ પડાવ્યા

Wednesday 21st January 2026 05:22 EST
 
 

ભુજઃ લંડનના હેરો ખાતે રહેતાં 71 વર્ષીય વૃદ્ધ એનઆરઆઇ ભુજના કેરા ગામે ફરવા આવ્યા હતા. આ દરમિયાન સાઇબર માફિયાઓએ કોલાબા પોલીસ સ્ટેશનના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી રૂ. 1.11 કરોડ પડાવી લીધા. વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ ડરાવી-ધમકાવીને રૂ. 1.11 કરોડ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
હેરો નિવાસી મનજીભાઈ પટેલ નામના 71 વર્ષીય વૃદ્ધ 2 ડિસેમ્બર 2025એ ભારત પહોંચ્યા બાદ 29 ડિસેમ્બરે કેરામાં તેમના ઘરે હતા, ત્યારે મોબાઇલ પર અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. આ કોલમાં એક મહિલાએ હિન્દીમાં કહ્યું કે, તમારા નામનું સિમકાર્ડ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલું છે. સામે છેડે રહેલા શખ્સે મુંબઈના કોલાબાથી બોલતો હોવાનું જણાવીને તાત્કાલિક કોલાબા પોલીસ સ્ટેશને આવવાનું કહેતાં મનજીભાઈએ હું ભુજ રહું છું, તેથી તાત્કાલિક આવી શકું તેમ નથી કહીને ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં વ્હોટ્સએપમાં મેસેજ અને વ્હોટ્સએપ ગ્રૂપમાં સાઇબર માફિયાએ પોલીસ અધિકારી વિજય ખન્ના તથા અન્ય શખ્સે સીબીઆઇ ઓફિસર હોવાનું જણાવ્યું હતું. જે તમામ શખ્સો પોલીસ ડ્રેસમાં હતા.
આ શખ્સોએ કહ્યું હતું કે, તમારા નામનું એટીએમ કાર્ડ પણ મળ્યું છે, તેથી તમારી સામે મની લોન્ડરિંગનો કેસ થયેલો છે. કેસની તપાસ માટે આ શખ્સો દ્વારા સંપત્તિની વિગતો માગવામાં આવતાં મનજીભાઈએ એફડી, બેન્ક ખાતાની વિગતો અને પરિવારના સભ્યોની માહિતી આપી હતી. જેના પરથી આરોપીઓને ખ્યાલ આવ્યો કે, મનજીભાઈ ઘરે એકલા જ રહે છે. તેથી મનજીભાઈ પાસેથી પહેલાં રૂ. 50 લાખ અને બાદમાં રૂ. 27 લાખ, 16 લાખ તેમજ બાદમાં રૂ. 18 લાખ મળીને કુલ
રૂ. 1,11,00,000 ની ઠગાઈ કરાઈ હતી.


comments powered by Disqus