‘મોદી હૈ તો મુમકિન હૈ’: ઈરાનથી પરત આવેલા ભારતીય

Wednesday 21st January 2026 06:03 EST
 
 

નવી દિલ્હીઃ ઇરાનમાં ફાટી નીકળેલાં આંતરિક વિદ્રોહ અને કથળતી સુરક્ષાની સ્થિતિ વચ્ચે ફસાઈ ગયેલા ભારતીયો માટે વતન પરત ફરવું કોઈ ચમત્કારથી ઓછું નહોતું. તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર ઇરાનથી આવેલા વિમાનથી ઊતરેલા ભારતીય નાગરિકોના ચહેરા પર વતન પરત આવવાની રાહત અને ઇરાનમાં જોયેલી હિંસાનો ફફડાટ સ્પષ્ટ દેખાતો હતો. જો કે તમામ ભારતીયોએ ભારતીય દૂતાવાસની ઝડપી કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ‘મોદી હૈ તો મુમકીન હૈ.’
ઈરાનથી પરત આવેલા લોકોએ ઈરાનની ભયાનક સ્થિતિનું વર્ણન કરતાં જણાવ્યું કે, અત્યારે ઇરાનમાં યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તે છે. પ્રદર્શનકારીઓ રસ્તા પર ઊતરી આવ્યા છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણની બહાર છે. ઈરાનમાં ઈન્ટરનેટ સેવા સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવાઈ છે, જેના કારણે ત્યાં ફસાયેલા ભારતીયો દિવસો સુધી પોતાના પરિવાર સાથે સંપર્ક પણ કરી શક્યા નહોતા. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પણ બહાર નીકળતા હતા ત્યારે દેખાવકારો તેમની ગાડી રોકી લેતા હતા.
ભારતીય દૂતાવાસે 24 કલાક સેવા આપી
ભારત સરકારે આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક એડવાઇઝરી જાહેર કરી હતી. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે પણ 24 કલાક હેલ્પલાઇન શરૂ કરી હતી અને ભારતીયોને વતન પરત મોકલવા જહેમત ઉઠાવી હતી. જે પ્રવાસીઓ પરત આવ્યા છે તેઓ બધા જ કહે છે કે, ‘મોદીના કારણે જ આ શક્ય બન્યું છે.’ વિદેશ મંત્રાલય હજુપણ ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યું છે.


comments powered by Disqus