આણંદઃ આણંદ અને ઉમરેઠ વચ્ચે રૂ. 42 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેનાથી ગણેશ ચોકડીથી વઘાસી તરફના આ બ્રિજથી હજારો વાહનચાલકોને ટ્રાફિકજામથી મુક્તિ મળવાની સાથે સમય અને ઇંધણ પણ બચશે. સ્થાનિકો દ્વારા લાંબા સમયથી આ બ્રિજની માગ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. બ્રિજનું મધ્ય કામ રેલવે વિભાગે પૂરું કર્યું. હવે માર્ગ અને મકાન વિભાગે બાકીના કામનું ખાતમુહૂર્ત કરી કામગીરી ઝડપી બનાવી છે.
ધારાસભ્યો યોગેશભાઈ પટેલ અને હર્ષદભાઈ પરમારે સતત રજૂઆતો કરી હતી. યોગેશભાઈ પટેલે જણાવ્યું કે, દિવાળી પહેલાં બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય છે. આ બ્રિજથી વઘાસી, આણંદ, ઉમરેઠના વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળશે. આ પ્રસંગે ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો. મેયર દીપીકાબહેન પટેલ, મયુરભાઈ સુથાર, ઇજનેર હિતેશ ગઢવી, જિગર પટેલ સહિત નગરજનો હાજર રહ્યા.

