એક વર્ષ બાદ ગંભીરા બ્રિજ ફરી ધમધમતો થયો

Wednesday 21st October 2026 07:18 EDT
 
 

આણંદઃ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મુજપુર-ગંભીરા માર્ગ પરનો નવનિર્મિત ગંભીરા બ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થતાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. એક વર્ષના ટૂંકા સમયગાળામાં બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાતાં બ્રિજ પર ફરી વાહનોની અવરજવર શરૂ થઈ હતી.
મહી નદીની ભરતી-ઓટ અને સતત બદલાતા પાણીના પ્રવાહ વચ્ચે રૂ. 212 કરોડના ખર્ચે 858.75 મીટર લાંબો બ્રિજ માત્ર 12 માસમાં પૂર્ણ કરાયો છે. લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જૂના બ્રિજ ઉપર લોખંડનું સ્ટ્રક્ચર મૂકી માત્ર ટુ-વ્હીલર માટે માર્ગ ફરી શરૂ કરવા સરકારે રૂ. 9 કરોડ મંજૂર કર્યા હતા. આ કામમાં પણ અંદાજે ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.
બીજી તરફ કાયમી ઉકેલ માટે સરકારે નવા ગંભીરા બ્રિજને મંજૂરી આપી હતી. મંજૂરી બાદ શરૂ કરાયેલ નવા બ્રિજનું કામ પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ ઝડપથી આગળ ધપાવાયું અને આશરે એક વર્ષના સમયમાં બ્રિજ તૈયાર કરી દેવાયો. લોકાર્પણ બાદ બ્રિજ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાતાં પાદરા, મુજપુર, આંકલાવ સહિત આસપાસના વિસ્તારના લોકોને મોટી રાહત મળી છે.
નવા બ્રિજના કારણે રોજગારી માટે વડોદરા અને આણંદ તરફ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ, અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ દૈનિક મુસાફરી કરતા વાહનચાલકોનો સમય અને મુસાફરીનો ખર્ચ બચશે. સાથે જ વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચેનો સીધો અને મહત્ત્વનો માર્ગ ફરી કાર્યરત્ થતાં બંને જિલ્લાના લોકો માટે અવરજવર સરળ બનશે.


comments powered by Disqus