કોલકાતાઃ દુર્ગા પંડાલમાં નાસભાગથી 19 મોતઃ 7ની ધરપકડ

Wednesday 21st October 2026 07:43 EDT
 
 

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના કોલકાતામાં શનિવાર સાંજે ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં નાસભાગ મચી ગઈ હતી. આમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 14 મહિલા, 3 પુરુષ અને 2 બાળક છે. 35થી વધુ લોકો ઘાયલ થયા છે. આમાંથી 24ની હાલત ગંભીર છે.
માહિતી મુજબ, સપ્તમીની સાંજે કોલકાતાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. વરસાદથી બચવા માટે પંડાલની બહાર લાઇનમાં ઊભેલા લોકો એકસાથે અંદર જવા લાગ્યા. આનાથી બંને ગેટ પર દબાણ વધી ગયું અને એક ગેટનો ભાગ તૂટી પડતાં નાસભાગ મચી ગઈ. દુર્ઘટના બાદ ચોરબાગાન સહિત કેટલાક પંડાલો સુરક્ષાની દૃષ્ટિએ બંધ કરી દેવાયા હતા.
આ અંગે કોલકાતા પોલીસે ચોરબાગાન પંડાલ પૂજા સમિતિના ઉપાધ્યક્ષ, સચિવ અને ખાનગી સુરક્ષા પ્રભારી સહિત 7 લોકોની ધરપકડ કરી છે.


comments powered by Disqus