ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે ઊગતી તકોની ભૂમિસમાન

જાપાનના ઓસાકા ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં હાઈલેવલ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ

Wednesday 21st October 2026 06:51 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતને વૈશ્વિક રોકાણનું કેન્દ્રબિંદુ બનાવવાના ઉદ્દેશ સાથે રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાલ જાપાનના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન જાપાનના મહત્ત્વના ઔદ્યોગિક શહેર ઓસાકા ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક વિશેષ હાઇલેવલ રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી. જેમાં જાપાની કંપનીઓના વરિષ્ઠ અધિકારીઓ અને ઓદ્યોગિક આગેવાનો સાથે ગુજરાત અને જાપાન વચ્ચેની સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તેમજ વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણની નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વ જાપાનને ‘ઊગતા સૂર્યના દેશ’ તરીકે ઓળખે છે, જ્યારે ભારતનું ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે ‘ઊગતી તકોની ભૂમિ’ સમાન છે. ગુજરાત રાજ્ય આજે સમગ્ર વિશ્વમાં સ્પીડ, સ્કેલ અને સ્ટેબિલિટી માટે ઓળખાય છે. ઝડપી નિર્ણયશક્તિ, વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાજકીય સ્થિરતાના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વભરના રોકાણકારો માટે શ્રેષ્ઠ ઔદ્યોગિક ડેસ્ટિનેશન બની રહ્યું છે. હાઇલેવલ બેઠકમાં હર્ષ સંઘવીએ જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં ભવિષ્યલક્ષી ઉદ્યોગોમાં રોકાણ કરવા ખાસ આહવાન કર્યું હતું.
સંઘવીએ તેમણે ખાસ કરીને સેમિકંડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રે ગુજરાતમાં ઉપલબ્ધ સાનુકૂળ નીતિઓ અને ઇકોસિસ્ટમ અંગે માહિતી આપી હતી. આ દરમિયાનમાં તેમણે કોબે ખાતે ગુજરાતી અને ભારતીય સમુદાય સાથે વિશેષ સંવાદ સાધ્યો હતો.


comments powered by Disqus