રાજકોટઃ ચોમાસાની સત્તાવાર વિદાય બાદ સૌરાષ્ટ્રના દુકાળગ્રસ્ત પોરબંદર અને દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા-ભડાકા અને પવન સાથે ધોધમાર માવઠું થતાં ખેતરો પાણીથી તરબોળ થયાં હતાં. સાથોસાથ ખેતરમાંથી મગફળી કાઢતા ખેડૂતોના પાથરા પલળી જતાં ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે શનિવારે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ બંધાયું હતું.
પોરબંદરના સોઢાણા, અડવાણા, સીમર, રોજીવાડા, ભેટકડી, ફટાણા અને શીંગડા સહિતનાં ગામોમાં બપોરે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં કેટલાંક ગામોમાં એકથી દોઢ ઈંચ, જ્યારે સીમર અને રોજીવાડા વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો.
