પોરબંદરમાં અડધા કરોડનાં ઘરેણાં પહેરી મહેર મહિલાઓનો મણિયારો રાસ

Wednesday 21st October 2026 06:47 EDT
 
 

પોરબંદરઃ વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવ વચ્ચે પોરબંદરની મેર જ્ઞાતિએ પોતાના પ્રાચીન ‘મણિયારો રાસ’ને જીવંત રાખ્યો છે. આ વર્ષે મેર સુપ્રીમ કાઉન્સિલની 25મી રજતજયંતીની ઊજવણી થઈ, જેમાં મહેર સમાજના અંદાજિત 6 થી 7 હજાર લોકોએ ભાગ લીધો.
રાસ-ગરબા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે, પરંતુ આધુનિક યુગમાં યુવાનોમાં પરંપરાગત ભાતીગળ ગરબા પ્રત્યેની રુચિ ઓછી થતી જોવા મળે છે, ત્યારે પોરબંદર જિલ્લાની મહેર જ્ઞાતિએ તેમના પ્રાચીન ‘મણિયારા રાસ’ને પરંપરાગત પોષાક અને મોંઘાદાટ સોનાના દાગીના સાથે રમીને આધુનિક યુગમાં પણ ઇતિહાસને અકબંધ રાખ્યો છે. મહેર સમાજની મહિલાઓ પોતાના શરીર પર 30થી 40 તોલા સોનાના દાગીના પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવે છે, જે તેમની સંસ્કૃતિ પ્રત્યેની અદમ્ય નિષ્ઠા દર્શાવે છે. આ ભવ્ય મહોત્સવમાં મહેર સમાજના 3થી 4 હજાર યુવાનો એક જ પ્રકારનાં પોષાક પહેરીને ચોક્કસ તાલ સાથે આ રાસ રમે છે. પુરુષો ચોયણી, આગણી, ખમીશ પાઘડી જેવાં કપડાં પહેરી ઢોલ-શરણાઈનાં સૂરતાલ પર હાથમાં લાકડાના દાંડિયાથી મણિયારો રાસ રમ્યા છે, તો અંદાજે 4 હજાર બહેનો ઢારાવો, કાપડું. ઘાસિયું જેવાં પરંપરાગત વસ્ત્રો સાથે 30 તોલા સોનાનાં ઘરેણાં પહેરી રાસ રમવા ઉતરી હતી. આ મહોત્સવમાં તમામ મહેરાણીઓ દ્વારા પહેરાયેલું સોનું અંદાજે 1.2 ટન જેટલું આંકવામાં આવે છે, જે ત્રણ દેશના રિઝર્વ ફંડથી પણ વધુ થવા જાય છે.
મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ વિમલજી ઓડેદરાએ જણાવ્યું હતું કે, મહેર ખમીરવંતી જાતિ ગણાય છે અને તેમણે પ્રાચીન સમયમાં પોતાના વતન માટે યુદ્ધ લડી જીત પણ મેળવી હતી. આ સમયે બુંગિયો ઢોલ વગાડવામાં આવ્યો હતો, જેના કારણે પુરુષોને યુદ્ધ લડવાનો જુસ્સો મળે. સામાન્ય પરંપરા મુજબ યુદ્ધ બાદ આ વિજયોત્સવ મનાવવામાં આવતો હોય છે. જો કે આજે મણિયારો રાસ જન્માષ્ટમી, હોળી, નવરાત્રી અને રાષ્ટ્રીય પર્વમાં પરંપરાગત પોષાક પહેરીને રમવામાં આવે છે. મણિયારો રાસ રમવા શરણાઈ, ઢોલ અને પેટીવાજું જેવાં સંગીત વાદ્ય હોવાં અનિવાર્ય છે.
નવરાત્રીના પાંચમા નોરતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં 10થી 12 હજાર ભાઈ-બહેનોએ ગ્રાઉન્ડમાં એકસાથે પરંપરાગત સ્ટેપ્સ સાથે રાસ રમી પોતાની સંસ્કૃતિની ભવ્ય ઝલક રજૂ કરી હતી.


comments powered by Disqus