ભારત સાથે વેપાર કરાર હાથવેંતમાંઃ માર્કો રૂબિયો

Wednesday 21st October 2026 07:38 EDT
 
 

નવી દિલ્હીઃ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ બે દિવસની ભારતની મુલાકાત કરી. આ દરમિયાન તેમણે તેમના સમકક્ષ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની ખાસ મુલાકાત લીધી. તેમની આ ભારત મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચે થનારી ટ્રેડડીલ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારત સાથે વેપાર કરાર કરવાની અત્યંત નજીક હોવાનું જણાવતાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ઉમેર્યું હતું કે, ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવા પર ટેરિફમાંથી જે છૂટ આપવામાં આવી છે, તે આ વેપાર કરારના નિર્ણય સાથે જોડાયેલી છે. અમે અત્યારે ભારત સાથેના વેપાર કરારને આખરી ઓપ આપી રહ્યા છીએ અને તે લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે. જ્યારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સુરક્ષા કે તેવા અન્ય મામલે છૂટછાટ આપવાનો નિર્ણય કરે છે, ત્યારે અન્ય મુદ્દાઓની સાથે વેપાર કરારની બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ સપ્ટેમ્બરમાં સેન્કશનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ પસાર કર્યો ત્યારથી રૂબિયો અને જયશંકર વચ્ચે આ મુદ્દે સતત વાટાઘાટો ચાલી રહી છે. રૂબિયોએ ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખવાના કારણોને સ્વીકાર્યા હોય તેમ લાગતું હતું.
ભારત આવતા પહેલાં રૂબિયાઓ નિવેદન આપ્યું હતું કે, ભારત અમેરિકાનો મહત્ત્વપૂર્ણ સહયોગી દેશ છે. તેના પર ટેરિફ લગાવતા પહેલાં અમેરિકાએ વિચારવું પડશે. તમે કોઈ એક મુખ્ય મુદ્દાને કારણે અન્ય દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી શકો નહીં. તેથી જ આ તમામ બાબતોમાં સંતુલન જાળવવું જટિલ પ્રક્રિયા છે.
રૂબિયોની જયશંકર સાથે મુલાકાત
રૂબિયો અને જયશંકર વચ્ચે મંગળવારે સંરક્ષણ, ઊર્જા, ટેક્નોલોજી અને વેપાર ક્ષેત્રે ભારત-અમેરિકા સહયોગને વધુ ગાઢ બનાવવા અંગે ફળદાયી ચર્ચાઓ થઈ. આ સાથે તેમણે કહ્યું કે, આપણે દ્વિપક્ષીય ભાગીદારીમાં અજોડ ગતિશીલતાનું નિર્માણ કરવાનું ચાલુ રાખી રહ્યા છીએ.


comments powered by Disqus