મહિલા અનામત-સીમાંકન બિલ માટે વિશેષ સત્રની તૈયારી

Wednesday 21st October 2026 07:46 EDT
 

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને એસઆઇઆરના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર આ મહિનાના અંત સુધીમાં સંસદમાં વિશેષ સત્ર બોલાવી શકે છે. મહિલા અનામત અને લોકસભાની બેઠકોના સીમાંકનનાં બિલોને લઈને સરકાર આ વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં છે, કેમ કે સરકારને એવો વિશ્વાસ છે કે સંસદમાં તેની પાસે બિલ પસાર કરાય એટલી બહુમતી થઈ જશે.
આ પહેલાં બજેટ સત્ર દરમિયાન 17 એપ્રિલે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામત લાગુ કરવા તેમજ તેની સાથે જ જોડાયેલી લોકસભાની બેઠકોના સીમાંકન માટેનાં બિલો પસાર નહોતી કરાવી શકાયાં, કેમ કે તે સમયે સરકાર પાસે સંસદમાં બહુમતનો આંકડો નહોતો. હાલ આ બિલ પાસ કરાવવા માટે સરકારને 360 બેઠકોની જરૂર છે. લોકસભામાં હાલ 540 બેઠકો છે. તૃણમૂલ કોંગ્રેસ તેમજ શિવસેના (યુબીટી)ના સાંસદોએ સત્તાપક્ષમાં સામેલ થઈને સંસદના આંકડામાં મોટો ફેરફાર કરી નાખ્યો છે.
વર્તમાન એનડીએ પાસે સંસદમાં બહુમત તો છે, પરંતુ આ બિલ પસાર કરવા માટે જોઈએ એટલા આંકડા નથી. તાજેતરમાં જ તૃણમૂલ કોંગ્રેસના 20 અને શિવસેનાના છ સાંસદો સત્તાપક્ષમાં ભળી ગયા હતા. એવામાં સરકારને હાલ શરદ પવારના પક્ષ એનસીપી પાસેથી પણ ટેકો મળવાની આશા છે, જેના 8 સાંસદો છે.
બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ચોમાસું સત્રથી અત્યાર સુધી ખડગે મોદીને ચોથી વખત પત્ર લખી ચૂક્યા છે. ખડગેએ કહ્યું છે કે ચોમાસું સત્ર સ્થગિત કરાયું ત્યારથી અત્યાર સુધી 64 દિવસ પસાર થઈ ચૂક્યા છે. હું ચોથી વખત સરકારને કહેવા માગુ છું કે કોઇ પણ નિર્ણય લેતા પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. ફરી એક વખત બિલ પર બુલડોઝર ફેરવવાનું કામ ના કરશો. સર્વપક્ષીય બેઠક બોલાવો અને લોકસભાની બેઠકોના સીમાંકન પર ચર્ચા કરો.


comments powered by Disqus