મોરબીઃ રાજમાતા વિજય કુંવરબાનું લાંબા સમયની બીમારી અને ઉંમર સંબંધિત તકલીફોના કારણે 97 વર્ષની વયે મુંબઈ ખાતે સારવાર દરમિયાન 17 ઓક્ટોબરે નિધન થયું. તેમના અવસાનના સમાચારથી રાજવી પરિવાર સહિત સમગ્ર મોરબી પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. રવિવારે ભારે હૈયે રાજમાતા વિજયકુંવરબા સાહેબની અંતિમયાત્રા મોરબીથી કાઢવામાં આવી હતી, જેમાં રાજપરિવાર અને સગાંસંબંધીઓની સાથે ભાવનગરની જનતા પણ ભીની આંખે જોડાઈ હતી.
ધંધૂકા પાસેના રંગપર ગામના રાજવી પરિવારનાં દીકરી અને મોરબીના મહારાજા મહેન્દ્રસિંહજીનાં પત્ની તથા મયુરધ્વજસિંહનાં માતા વિજયકુંવરબાને મોરબીની જનતા પ્રત્યે અપાર પ્રેમ હતો. મોરબીમાં જ્યારે મુશ્કેલી આવી ત્યારે તેમણે તાત્કાલિક મદદ પહોંચાડી હતી.
વડાપ્રધાનની પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના રાજમાતા વિજયકુંવરબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજમાતાનું વ્યક્તિત્વ, તેમની સેવાની ભાવના અને મોરબીના લોકો સાથેનો તેમનો ગાઢ સંબંધ હંમેશાં યાદ રહેશે. નરેન્દ્ર મોદીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેમના પરિવાર તેમજ હિતેચ્છુઓને આ નુકસાન સહન કરવાની શક્તિ મળે તેવી ઇશ્વરને પ્રાર્થના કરી હતી.
રાજવી પરંપરા સાથે અંતિમસંસ્કાર
રવિવારે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી બેન્ડવાજાં સાથે નીકળેલી અંતિમયાત્રા એલ.ઈ. કોલેજ, મયુર પુલ, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગર દરવાજા અને પરા બજાર થઈ વીસીપરા સ્થિત ધોળેશ્વર રાજવી સ્મશાનગૃહે પહોંચી હતી. રાજવી વાઘજીબાપુ અને લખધીરસિંહજી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમની શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમક્રિયા કરાઈ હતી. તેમના ભાણેજ વિશાલબાબા દ્વારા મુખાગ્નિ અપાઈ હતી.
મોરબી સ્વયંભૂ બંધ
રાજમાતાના નિધનના શોકમાં મોરબી સ્વયંભૂ બંધ રહ્યું હતું. મંત્રી કાંતિ અમૃતિયા, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, માજી સાંસદ મોહન કુંડારિયા, રાજકોટના મહારાજા માંધાતાસિંહ જાડેજા, વિવિધ રાજવી પરંપરાના પ્રતિનિધિઓ, રાજકીય-સામાજિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો અંતિમદર્શનમાં જોડાયા હતા.

