રાજકોટના કટારિયા ચોકડી પરના બ્રિજને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ આપવામાં આવ્યું

Wednesday 21st October 2026 07:12 EDT
 
 

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજય રૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ આજીવન ચૂકવી શકે તેમ નથી. શહેરીજનોની આ પ્રબળ લાગણીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યો. રાજકોટના કટારિયા ચોકડી ખાતે નિર્માણ પામી રહેલા અત્યાધુનિક ડબલ ડેકર આઇકોનિક કેબલ બ્રિજનું નામ ‘સ્વ. વિજયભાઈ રૂપાણી આઇકોનિક બ્રિજ’ કરવા મનપામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં સર્વાનુમતે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો.
મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન સ્વ. વિજય રૂપાણીએ રાજકોટના સર્વાંગી વિકાસ માટે અનેક ઐતિહાસિક પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. રાજકોટવાસીઓ માટે ગૌરવસમાન એઇમ્સ હોસ્પિટલ, અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ફ્લાયઓવર બ્રિજ અને અદ્યતન રસ્તાઓ જેવા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ તેમના જ સક્રિય પ્રયાસોથી રાજકોટને પ્રાપ્ત થયા છે. સ્વ. વિજયભાઈ રૂપાણીની સામાજિક અને રાજકીય કારકિર્દીની શરૂઆત રાજકોટની ધરતીથી જ થઈ હતી. તેઓ માત્ર જાહેર જીવન ક્ષેત્રે જ નહીં, પરંતુ સામાજિક સેવાના ક્ષેત્રે પણ હંમેશાં અગ્રેસર રહ્યા છે.


comments powered by Disqus