થરાદઃ વાવ-થરાદ જિલ્લાના સુઈગામમાં માનવતાને શર્મસાર કરતી અને હૃદય કંપાવી દે તેવી ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના જ અઢી વર્ષના માસૂમ પુત્રને પોતાના માટે બોજારૂપ સમજીને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો. હત્યા બાદ મોતનું સાચું કારણ છુપાવવા બાળકની લાશને જમીનમાં દાટી દઈ પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો.
પોલીસે આરોપી પિતા સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આ ઘટનાની સુઈગામ સહિત સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં ભારે ચર્ચા થઈ રહી છે. મોત પહેલાનો બાળકનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શરીરે દાઝેલું બાળક એક ખાટલામાં બેઠું છે.
પુત્ર બોજારૂપ લાગતો હતો
સુઈગામના રાવળવાસમાં રહેતા બાબુભાઈ લખમણભાઈ રાવળે પોતાના જ સગા ભત્રીજા અને હત્યારા અશોક જીતાભાઈ રાવળ સામે સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી અશોક રાવળના લગ્ન હિંમતનગર ખાતે થયાં હતાં. જો કે તેની પત્ની છેલ્લા કેટલાક સમયથી રિસામણે હોવાથી અશોક પોતાના અઢી વર્ષના પુત્ર નવઘણ સાથે સુઈગામમાં એકલો રહેતો હતો. પત્નીની ગેરહાજરીમાં બાળકની સારસંભાળ રાખવાનું અશોક માટે મુશ્કેલ બન્યું હતું. બાળકને રાખવાવાળું કોઈ ન હોવાથી અને તેનો ઊછેર કરવો ન હોવાથી, અશોક પોતાના જ લોહીને બોજારૂપ માનવા લાગ્યો હતો અને તેનાથી મુક્તિ મેળવવા તેણે આ પગલું ભર્યું હતું.

