સુરતઃ પાંડેસરા અને વડોદ વિસ્તારમાં સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ની ટીમે 5 અલગ-અલગ ટીમો બનાવીને બોગસ ડોક્ટરોને પકડવા ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 16 જેટલા બોગસ ડોક્ટરોને પકડી લેવાયા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે કે આ બોગસ ડોક્ટરો સારવાર માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરતા હતા. તેઓ ક્લિનિકમાં આવતા દર્દીઓનાં લક્ષણો તપાસીને AI એપની મદદથી રોગનું નિદાન કરતા હતા અને એપમાં જ પ્રોમ્પ્ટ આપી તેના આધારે દર્દીઓની એલોપેથિક દવાઓ લખી આપતા હતા. આ બની બેઠેલા ડોક્ટરો સેંકડો દર્દીઓના જીવ સાથે રમતરમી રહ્યા હતા.
એકપણ બોગસ તબીબ અંગ્રેજી વાંચી ન શક્યો
SOG સ્ટાફે પકડાયેલા તમામ 16 બોગસ ડોક્ટરોને અંગ્રેજી વાંચવા કહ્યું ત્યારે એકપણ ડોક્ટર અંગ્રેજી વાંચી શક્યો નહોતો. એટલું જ નહીં, ક્લિનિકથી જપ્ત કરાયેલી દવાઓનાં નામો કે દવામાં રહેલા કન્ટેન્ટ વિશે પણ તેઓ અજાણ હતા.

