સુરતમાં મિલકતની તકરારમાં યુવાને માતા-ભાઈની હત્યા કરી

Wednesday 21st October 2026 06:45 EDT
 

સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં મિલકતની વહેંચણી અને દુકાનોની ભાડાની આવકના વિવાદમાં લોહીના સંબંધોનો કરુણ અંત આવ્યો છે. સહજાનંદ સોસાયટીમાં રવિવારે સવારે મોટા પુત્ર શ્રીનિવાસે માતા મલેશ્વરીબહેન સુદર્શન ગોડુંરુ અને નાના ભાઈ રાજુની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. વિવાદમાં વચ્ચે પડેલી રાજુની પત્ની મમતાને પણ હુમલામાં ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પોલીસે આરોપી શ્રીનિવાસની ધરપકડ કરી છે.
મૂળ તેલંગાણાના અને સુરતમાં સ્થાયી થયેલા પરિવારની મલેશ્વરીબહેનના નામે ત્રણ દુકાનો છે, જેમાંથી દર મહિને આશરે રૂ. 60 હજાર ભાડું આવતું હતું. માતા નાના પુત્ર રાજુ સાથે રહેતાં હોવાથી ભાડાની આવક તેને આપતાં હતાં. માતાએ તેમની હાજરી સુધી મિલકતની વહેંચણી ન કરવા અને ભાડાની આવક પોતે રાખવાનો નિર્ણય સંભળાવતાં મોટો પુત્ર ઉશ્કેરાયો હતો.
રવિવારે વહેલી સવારે શ્રીનિવાસ ઘરે પહોંચ્યો હતો અને નાના ભાઈ રાજુ પર હુમલો કર્યા બાદ માતાની પણ હત્યા કરી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, શ્રીનિવાસ અને બીજા પુત્રને નશો તથા જુગારની લત હતી. ચાર વર્ષ પહેલાં જુગારમાં
રૂ. 10 લાખનું દેવું થતાં તે માતાએ ચૂકવ્યું હતું. બે વર્ષ પહેલાં તેણે માતાની હત્યાનો પ્રયાસ કર્યો હતો.


comments powered by Disqus