લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરના 10 ડાઉનિંગ સ્ટ્રીટ નિવાસે વૈશાખીની પરંપરાગત વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી, જેમા શીખ નેતાઓ અને સમુદાયના સભ્યોની નોંધપાત્ર હાજરી રહી હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટને પીળા અને નારંગી પુષ્પો, રિબન્સ અને મીણબત્તીઓથી સજાવવામાં આવ્યું હતું. ખાલસા જાથા ગુરુદ્વારાના વિદ્યાર્થીઓ દ્વારા વાહે ગુરુની પ્રશંસામાં કિર્તન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિતોમાં સીમા મલ્હોત્રા MP, સોનિયા કુમાર MP, તાન ધેસી MP, બેગી શંકર MP, વેલેરી વાઝ MP, નવજ્યોત સહાની, જસવીર સિંહ CBE, પરમ સિંહ MBE, કમલ પ્રીત કૌર, રમણજીત સિંહ અરોરા અને નતાશા મુધાર સહિતનો સમાવેશ થયો હતો. કેબિનેટ ઓફિસના પાર્લામેન્ટરી સેક્રેટરી સતવીર કોર MPએ 100થી વધુ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ આસ્થા, સેવા અને પ્રતિનિધિત્વના મહત્ત્વ વિશે જણાવ્યું હતું. પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે કહ્યું હતું કે શીખોનો ઈતિહાસ એ બ્રિટિશ ઈતિહાસ છે, સહભાગી ઈતિહાસ છે. શીખ સમુદાયે બ્રિટનમાં જાહેર સેવા, બિઝનેસ, સંસ્કૃતિ, સખાવત સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે, શ્રેષ્ઠ બ્રિટિશ મૂલ્યોમાં નિઃસ્વાર્થ અને સેવાના શીખ મૂલ્યો અનોખાં રહ્યાં છે.. પ્રાઈમ મિનિસ્ટર સ્ટાર્મરે જણાવ્યું હતું કે લગભગ બે સદીઓમાં બ્રિટિશ શીખો દેશમાં સારું પરિવર્તન લાવ્યા છે. 100 વર્ષ અગાઉ તેમણે બેટલ ઓફ સોમમાં જાનની આહુતિ આપી હતી.
પ્રાઈમ મિનિસ્ટરે શીખવિરોધી ઘૃણામાં થયેલી વૃદ્ધિને સ્વીકારવા સાથે તેની સખત નિંદા કરી હતી અને સમુદાયોનું વિભાજન કરનારાઓ વિરુદ્ધ સખત સામૂહિક કાર્યવાહીની હાકલ પણ કરી હતી. તિરસ્કાર અને અન્યાયના પડકાર સામે એકજૂટ રહેવાના મહત્ત્વ પર તેમણે ભાર મૂક્યો હતો.

