45 વર્ષ પહેલાં પક્ષપલટાના વિરોધમાં ચીમન શુક્લએ 21 દિવસ ઉપવાસ કર્યા હતા

Wednesday 22nd April 2026 06:10 EDT
 
 

રાજકોટ: આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે જેમાં પરોક્ષ પક્ષાંતર એટલી હદે થયું કે સૌરાષ્ટ્રમાં 70 સહિત ગુજરાતમાં 700થી વધુ બેઠકો પર લોકોનો મતાધિકાર છીનવાઈ ગયો અને સીધી ભાજપને બેઠકો મળી ગઈ તેને આજના નેતાઓ પોતાની સિદ્ધિ ગણાવે છે, પરંતુ લોકશાહી માટે આ શરમ છે.
આ સમયે ગુજરાતના પ્રથમ નોંધનીય પક્ષપલટાનો કિસ્સો ધ્યાને આવ્યો છે, જેમાં 45 વર્ષ પહેલાં વર્ષ 1981માં રાજકોટ મહાપાલિકામાં ભાજપને 26 વિરુદ્ધ કોંગ્રેસની 25 બેઠક સાથે માત્ર એકની સરસાઈથી સત્તા મળી, ત્યારે ભાજપના વોર્ડ-8ના કોર્પોરેટરે પક્ષપલટો કર્યો. આ સામે વર્ષ 1952માં જનસંઘનો પાયો નાખનાર સ્વ. ચીમનભાઈ શુક્લએ તત્કાલીન નેતાઓ સ્વ. મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, સ્વ. મેયર અરવિંદ મણિયાર, સૂર્યકાંત આચાર્ય વગેરે સાથે પરામર્શ કરી સતત 21 દિવસના ઉપવાસ કર્યા હતા. આ આંદોલન એટલું ફેલાયું કે, અડવાણી સહિત રાષ્ટ્રીય નેતાઓ રાજકોટ દોડી આવ્યા હતા અને કોંગ્રેસની સરકારે અંતે ઝૂકવું પડ્યું હતું. એ વખતે ત્રિકોણબાગે તપોભૂમિ નામે ઉપવાસી છાવણી ઊભી થઈ હતી.
આ ઘટના યાદ કરતાં સ્વ.ચીમનભાઈના પુત્ર કશ્યપ શુક્લ અને કિરીટ પાઠકે જણાવ્યું, કોંગ્રેસના જયંતીભાઈ કુંડલિયાએ દબાણ કરતાં ભાજપના કોર્પોરેટર મગનભાઈ સોનપાલે પક્ષપલટો કર્યો અને સત્તા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં જતી રહી. બાદમાં સમાધાન ફોર્મ્યુલા મુજબ વોર્ડના ત્રણેય કોર્પોરેટરે રાજીનામાં આપ્યાં અને પેટાચૂંટણી યોજાઈ. તે વખતે સાંસદો, ધારાસભ્યો અને સરકાર કોંગ્રેસના હતાં, રાજકોટના સ્વ. રાજવી મનોહરસિંહજી જાડેજા નાણામંત્રી હતા પણ લોકો પક્ષપલટાને સ્વીકારતા નહીં, પેટાચૂંટણીમાં પક્ષપલટો કરનારા સહિત કોંગ્રેસના ત્રણેય ઉમેદવારોનો પરાજય થયો અને ભાજપની સત્તા અકબંધ રહી હતી.
વર્તમાન સમયમાં જીવનભર ભાજપને ભાંડતા રહેલા નેતા પક્ષપલટો કરી ભાજપની પ્રશંસા કરે તોય જીતી જાય છે અને તેના પરથી અપક્ષો ધડો લઈને લોકો સાથે ગદારી કરીને પક્ષપલટો કરતા રહ્યા છે. ઉપરોક્ત આંદોલન પછી પક્ષાંતરવિરોધી કાયદો આવ્યો હતો, પરંતુ તેમાં છટકબારી શોધીને આજે ઘોળીને પી જવાયો છે. કાયદો એવો જોઈએ કે પક્ષપલટુ ચૂંટણી લડી ન શકે. એક સમયે ભાજપ જેનો વિરોધ કરતું તે જ કૃત્ય હવે ભાજપના નેતા ગૌરવભેર કરી રહ્યા છે.


comments powered by Disqus