PoKમાં 70થી વધુ આતંકી લોન્ચ પેડ એક્ટિવ હોવાના ખુલાસાથી ખળભળાટ

Wednesday 22nd April 2026 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISI અને તેની સેનાએ જમ્મુ-કાશ્મીરમાં મોટાપાયે ઘૂસણખોરી કરવાની તૈયારી ઝડપી બનાવી છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ઓછામાં ઓછા 70 જેટલા આતંકી લોન્ચપેડ સક્રિય કરવામાં આવ્યાં છે, જ્યાં હાલ 800 જેટલા આતંકવાદીઓને ઘૂસણખોરી કરવા તૈયાર રખાયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન આ કાવતરાને એવા સમયે અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે વૈશ્વિક સમુદાયનું ધ્યાન પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ ખાસ કરીને અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવ પર કેન્દ્રિત છે. સાથે જ ભારતમાં હાલ યોજાઈ રહેલી રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને પણ પાકિસ્તાન એક તક તરીકે જોઈ રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓ અનુસાર પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને તેમમે લોન્ચ પેડ્સ પર ઉતારી દેવાયા છે. તે પૈકી લગભગ 10 જેટલા લોન્ચપેડ્સ આંતરરાષ્ટ્રીય સરહદની પાસે છ,ે જ્યારે બાકીના એલઓસીની આસપાસ સક્રિય છે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરના મહિનાઓમાં ભારતીય સુરક્ષાદળોની સતર્કતાને કારણે ઘૂસણખોરીના ઘણા પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે, જે બાદ પાકિસ્તાને પોતાની રણનીતિ બદલી છે. હવે તેની એકસાથે ઘણાં સ્થળેથી નાનાં-નાનાં જૂથોમાં આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાની યોજના છે, જેથી કરીને ભારતીય સુરક્ષા દળો પર દબાણ સર્જી શકાય.


comments powered by Disqus