નાસિકઃ દેશની દિગ્ગજ ટેક કંપની ટીસીએસના નાસિકસ્થિત એકમમાં ધર્માંતરણ અને જાતીય ઉત્પીડનને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બધા વચ્ચે એક પીડિતાએ ચોંકાવનારી જાણકારી આપી છે. તેનો આરોપ છે કે મુસ્લિમ સહકર્મચારીઓ તેની છેડતી કરતા હતાં. આ ઉપરાંત તેના ધર્મને લઈને વાંધાજનક ટિપ્પણી કરાતી હતી. મહિલા કર્મચારી કહે છે કે તેઓ બિન્ધાસ્ત તેના ફિગરને લઈને ટિપ્પણી કરતા અને પ્લેયર, ઝીરો ફિગર નામે બોલાવતા હતા. આ લોકો હિન્દુ દેવી-દેવતાની પણ મજાક ઉડાવતાં હતાં. પીડિતાના જણાવ્યા અનુસાર 24 જૂન, 2025થી તેની ત્રણ મહિનાની ટ્રેનિંગ શરૂ થઈ હતી. તેનો ટ્રેનિંગ લીડર શાહરુખ કુરેશી હતો. તેની સાથે લોન બ્રાન્ચના રઝા મેમણને ટ્રેનિંગ સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં આવતો હતો અને લગ્ન તથા હનિમૂન જેવા મુદ્દા પર વાત કરી તેની છેડતી કરતો હતો.
નિદાની ભૂમિકા શંકાસ્પદ
આ કેસની મુખ્ય આરોપી નિદા ખાન કહેવાતી રીતે પોલીસ ધરપકડથી બચી રહી છે. નિદા પહેલાં ટીસીએસ-નાસિકમાં ફરજ બજાવતી હતી. બે મહિના પહેલાં તેની બદલી મુંબઇના મલાડ ખાતેની હીરાનંદાની ઓફિસમાં થઈ હતી. નિદાના પતિ મોઈન નવીદ ઈકબાલ ખાનની થાણેના મુંબ્રામાં એમેઝોન વેબ સર્વિસીઝના લોજિસ્ટિક અધિકારી તરીકે નિમણૂક થયા પછી પત્નીની બદલી નાસિકથી મુંબઈ થઈ હતી. હવે નાસિક ધર્માંતરણ કેસમાં નિદાનું નામ આવતાં કંપની તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી ચૂકી છે. નિદા ખાન તે પછી પોલીસ ધરપકડથી બચવા ફરાર છે.
નિદાએ પ્રેગ્નન્ટ હોવાનું કહી જામીન માગ્યા
ટીસીએસમાં ધર્માંતરણ કરાવવાના આરોપમાં ઘેરાયેલી કંપનીના નાસિક યુનિટની એચઆર હેડ નિદા ખાને અદાલત સમક્ષ આગોતરા જામીનની માગણી કરી છે. તેનું કહેવું છે કે હું ગર્ભવતી છું, તે કારણે મને રાહત આપીને આગોતરા જામીન આપવામાં આવે. ધર્માંતરણના આ સમગ્ર મામલામાં નિદાને મુખ્ય વ્યક્તિ પૈકી એક માનવામાં આવે છે. પોલીસે આ કેસમાં નોંધાયેલી 9 ફરિયાદની તપાસ કરી રહી છે, જેમાં યૌન ઉત્પીડન અને પછી બળજબરીથી ધર્માંતરણના આરોપ કરાયા છે. અત્યાર સુધીમાં આ કેસમાં 7 આરોપી દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમન, શાહરુખ કુરેશી. શફી શેખ, આસિફ અન્સારી અને એચઆર હેડ અશ્વિની ચેનાનીને કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે.

