બગસરાઃ અખાત્રીજના દિવસે વહેલી સવારે પવન કઈ બાજુથી વાય છે તે જાણવા અભ્યાસુઓ તથા ધરતીપુત્રો સૌકોઈમાં ઇંતેજારી હતી. આખરે અભ્યાસુઓએ જે વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી આથમણી દિશામાંથી પવન વાતાં વનરાજી ખીલી ઊઠવાનો વરતારો આપ્યો હતો.
વિગત અનુસાર ધરતીપુત્રો માટે વર્ષોથી અખાત્રીજના પવનનું ખૂબ મહત્ત્વ રહ્યું છે. આ વર્ષે અખાત્રીજની વહેલી સવારે 3 વાગ્યાથી સૌપ્રથમ પવન પશ્ચિમ તરફથી વાઈને પૂર્વ તરફ ગયો હતો. સાથોસાથે વાયવ્ય દિશાથી પવનની લહેરખીઓ આવતાં વાવણીલાયક વરસાદ વહેલો થવાની પૂર્ણ શક્યતા છે. એકંદરે આથમણો પવન વાતાં ‘વનરાજી ખીલી ઊઠે’ તેવો વરતારો થાય. ચોમાસાની શરૂઆત તથા મધ્ય ભાગમાં ખૂબ સારા વરસાદની શક્યતા જાણકારો માની રહ્યા છે. વાયવ્યના પવનના કારણે આ વર્ષે વાવણીલાયક વરસાદ વહેલો થવાની શક્યતા પણ વર્તાઈ રહી છે.

