અમદાવાદઃ કચ્છના સફેદ રણની સરહદે મુંદ્રાના કિનારે ગ્રીન એનર્જી ક્રાંતિનું નવું પ્રતીક ઊભું થયું છે. ભારતની રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી કંપની અદાણી વિન્ડે ટેક્નોલોજીની દુનિયામાં એક નવું સીમાચિન્હ સ્થાપિત કર્યું છે. કંપનીએ કચ્છના મુંદ્રા ખાતે 5 મેગાવોટ (MW)ની ક્ષમતા ધરાવતા મહાકાય વિન્ડ ટર્બાઇન પ્રોટોટાઇપનું સફળતાપૂર્વક કમિશનિંગ કર્યું છે. આ મહાકાય ટર્બાઇન માત્ર એક મશીન નથી, પણ ‘આત્મનિર્ભર ભારત’ની ગગનચુંબી સફળતા છે.
આ ટર્બાઇન તેના કદ અને ક્ષમતાની દૃષ્ટિએ ભારતના પવનઊર્જા ઉદ્યોગમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. બ્લૂમબર્ગ NEFના તાજેતરના અહેવાલ મુજબ પવનઊર્જાના સ્થાપન બાબતે ભારત હવે ચીન પછી વિશ્વનું બીજું સૌથી મોટું માર્કેટ બનીને ઊભરી આવ્યું છે, જેણે અમેરિકા અને જર્મનીને પણ પાછળ છોડી દીધાં છે. અદાણી વિન્ડ વિશ્વના ટોપ-15 વિન્ડ ટર્બાઇન ઉત્પાદકોમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય કંપની બની છે. ભારતની વિન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 2022માં 12 GW હતી, જે વધીને હવે 20 GW સુધી પહોંચી છે. તે માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં પણ યુરોપ જેવા દેશોમાં એન્ટિ આઇસિંગ ટેક્નોલોજી ધરાવતી બ્લેડ્સની નિકાસ પણ કરી રહી છે. કંપનીનું લક્ષ્ય વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 2.25 GWથી વધારીને 10 GW સુધી લઈ જવાનું છે.
મુંબઈને વધુ વીજળી આપવા અદાણી એનર્જીની 1000 મે.વો.ની નવી લિન્ક
અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં વીજળીના આંતરમાળખાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરીને કુડુસ અને આરે વચ્ચે 1,000 મેગાવોટ હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ ટ્રાન્સમિશન લિન્ક શરૂ કરી છે. શહેરી વાતાવરણની મર્યાદામાં કાર્ય કરવા ડિઝાઇન કરાયેલા આ પ્રકલ્પમાં 30 કિ.મી.ની ઓવરહેડ લાઇન અને 50 કિ.મી.ના ભૂગર્ભ કોરિડોરનો સમાવેશ થાય છે.

