અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવાના દબાણથી ત્રાસી મામલતદારનો આપઘાત

Wednesday 22nd April 2026 06:09 EDT
 
 

ઉમરગામઃ જિલ્લા તાલુકાની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને અ૫ક્ષના ઉમેદવારનું ફોર્મ રદ કરવા મામલે ભારે દબાણ કરાતાં સોમવારે રાતે ઉમરગામ સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુંકાવ્યું હતું. 13 એપ્રિલે ઉમેદવારીપત્રકોની ચકાસણી સમયે ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા ડી.સી. બ્રાહ્મણકાચ્છ સમક્ષ સરીગામ-2 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર રાકેશ રાયને કોર્ટ દ્વારા એક ગંભીર ગુનામાં સજા થઈ હોવાનું કારણ આપી ભાજપ ઉમેદવાર દીપક મિસ્ત્રી તેમજ અન્ય કાર્યકરો તરફથી વાંધો રજૂ કરી ઉમેદવારીપત્રક રદ કરવા રજૂઆત કરાઈ હતી.
અપક્ષ ઉમેદવારે ભરેલા ડમી ઉમેદવારના ફોર્મ સામે પણ વાંધો રજૂ કરાતાં મામલતદાર કચેરીમાં સવારે 10 વાગ્યાથી મોડી સાંજ સુધી રાજકીય ખેંચતાણનો માહોલ રહ્યો હતો.
બંને પક્ષના વકીલ ભાજપના નેતા તરફથી સતત ફોન કરી અધિકારીને દબાણ કરતા હતા. વાંધાને ગ્રાહ્ય રાખવો કે નહીં તે માટે કાયદાકીય અભ્યાસ કરી રાત્રે 11 વાગ્યા સુધી ઓર્ડર મોકલી આપવા જણાવતાં બંને કચેરી છોડી ગયા હતા. જો કે આ ઘટનાથી તણાવમાં આવેલા મામલતદારે કચેરી છોડી ઉમરગામ સ્ટેશને પહોંચી ટ્રેન સામે પડતું મૂક્યું હતું.
તમે બધા સ્ટ્રોંગ રહેજો
રાત્રે 9 વાગ્યે દલપતભાઈએ પત્નીને ફોન કરી કહ્યું હતું કે, તમે સ્ટ્રોંગ રહેજો. આ સાંભળતાં જ તેમના પરિવારને અજુગતું લાગતાં વલસાડથી ઉમરગામ પહોંચ્યા હતા. પત્ની અને તેમના દીકરા સાથે મામલતદાર કચેરીના સ્ટાફે શોધખોળ કરતાં રેલવેટ્રેક પરથી તેમનો મૃતદેહ મળ્યો હતો.
આવી કોઈ ફરિયાદ આવી નથી
ઘટના અંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે કહ્યું હતું કે, ઉમરગામ તાલુકાના મામલતદાર દલપતભાઈ પ્રામાણિક અને સારી કામગીરી કરતા વ્યક્તિ હતા. ચૂંટણી લોકશાહીની પરંપરા છે. એમાં પાર્ટીએ જે પણ નામ નક્કી કર્યું હોય તેમાં બંધારણ પ્રમાણે યોગ્ય કામગીરી કરવાની હોય છે. આજદિન સુધી એકપણ ફરિયાદ કોઈ તરફથી આવી નથી. આ ઘટના દુઃખદ છે.


comments powered by Disqus