ઔરંગઝેબે મથુરા અને કાશી મંદિર તોડવા હુકમ કર્યો હતોઃ પદ્મશ્રી કે.કે. મહેમૂદ

Tuesday 21st April 2026 06:09 EDT
 
 

વડોદરાઃ અયોધ્યામાં હિન્દુ મંદિર હતું કે નહીં તે માટે પુરાતત્ત્વ દૃષ્ટિએ ખોદકામ કરવાની જરૂર હતી, પણ જ્ઞાનવાપી, કાશી, મથુરા હિન્દુ મંદિરો જ હતાં. આ બાબતે કોઈએ (મુસ્લિમોએ) વિરોધ કરવો જોઈએ નહીં એમ દેશના ખ્યાતનામ આર્કિયોલોજિસ્ટ પદ્મશ્રી કે.કે. મહેમૂદે જણાવ્યું હતું.
તેઓ હેરિટેજ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિરાસત વ્યાખ્યાન માટે વડોદરા આવ્યા હતા. ઔરંગઝેબના શાસનમાં સાકી મુસ્તેદે લખેલું પુસ્તક માસિર-એ-આલમગીરીમાં ઉલ્લેખ છે કે, કેશવદેવ (મથુરા) મંદિર ઔરગંઝેબે જાન્યુઆરી 1670માં અને એપ્રિલ 1669માં કાશી મંદિર તોડવા હુકમ કર્યો હતો. મુસ્લિમોએ સમજવાની જરૂર છે કે, જેમ તેમના માટે મક્કા અને મદિના છે, તેમ હિન્દુઓ માટે અયોધ્યા, વારાણસી, મથુરા છે.
લોકો માનતા કે બુદ્ધ ઈજિપ્ત કે ઇરાનના હતા
મહેમૂદે જણાવ્યું કે, મહારાજા અશોક અને બુદ્ધ ભારતમાં જન્મ્યા હતા, તેની જાણ ભારતને નહોતી. ગૌતમ બુદ્ધની મૂર્તિમાં તેમના વાળ વળાંકદાર હોવાથી સદીઓ સુધી લોકો માનતા કે તેઓ ઇજિપ્ત કે ઈરાનના હતા. ભારતથી 573 હસ્તલિપિ લખીને હ્યુએન શાંગ ચીન લઈ ગયો હતો અને ચીનમાં ભારતીયો અને ચીની વિદ્વાનોએ તેનો ચીની અનુવાદ કર્યો હતો. તાજમહેલમાં મિનાર, ગુંબજ અને કમાન ઇસ્લામિક સ્થાપત્યનાં લક્ષણો છે. એકપણ પ્રાચીન હિન્દુ મંદિરમાં આ જોવા મળતાં નથી. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે, તાજમહેલના સ્થાને જયસિંહનો મહેલ હતો, જે શાહજહાંએ ખરીદ્યો હતો. જેના ફરમાન જયપુર અને બિકાનેરમાં છે. ભારતીય પુરાતત્ત્વ વિભાગને સરકારી પ્રોત્સાહનની જરૂર છે.


comments powered by Disqus