કોટડાઃ વિશ્વ કલાદિવસના અવસરે ભુજ તાલુકાના નાના રેહા ગામે તેની અનોખી અને ઐતિહાસિક હસ્તકલા માટે ફરી એકવાર વિશ્વનું ધ્યાન આકર્ષ્યું છે. એક સમયની સૂડી, ચપ્પુ અને તલવાર જેવાં હથિયાર બનાવવાની કળા માટે વિખ્યાત રેહા ગામ પેઢીઓથી ચાલતી કળાને માત્ર વ્યવસાય નહીં, પરંતુ કચ્છની સાંસ્કૃતિક ઓળખનું જીવંત પ્રતીક બનાવી છે. આ જ કળાના કારીગર અહેમદ ઈસ્માઈલ થારિયા જેવા સાતમી પેઢીના કારીગરો આજેપણ આ પરંપરાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે.
અહેમદ ઇસ્માઇલ થારિયાએ જણાવ્યું કે, ‘ઉદ્યોગ વર્ષો જૂનો હોવા છતાં કાચા માલના વધતા ભાવ અને વેચાણમાં અનિશ્ચિતતા વચ્ચે હાલ પરિસ્થિતિ પ્રતિકૂળ છે.’ રેહા ગામના લુહાર જ્ઞાતિના લોકો પેઢીઓથી પોતાના પરંપરાગત વ્યવસાય અને વેપાર સાથે જોડાયેલા રહ્યા છે. અહીંના કારીગરો પરંપરાગત હસ્તકલા કારીગરીમાં નિષ્ણાત છે. પિતા-દાદાની પરંપરાને જાળવી રાખી આજે પણ આ સમાજ પોતાના વારસાને આગળ ધપાવી રહ્યો છે. કારીગરો તલવાર, જમૈયા, કટાર, સૂડી, ચપ્પુ, ફારસી, ત્રિશૂળ, ભાલા અને છરી જેવાં હથિયારો તૈયાર કરે છે. આ તમામ તીક્ષ્ણ વસ્તુઓ પર તેઓ પોતાની કારીગરીની ઊંડી છાપ મૂકે છે, જે આ કળાને એક અલૌકિક વારસાની ઓળખ આપે છે.

