કચ્છમાં વર્ષ 2005 બાદ સર્વાધિક બેઠકો બિનહરીફ

Wednesday 22nd April 2026 06:09 EDT
 
 

ભુજઃ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષો પ્રચારમાં પ્રવૃત્ત બન્યા છે, ત્યારે આ વખતે જિલ્લામાં સત્તાધારી પક્ષ ભાજપે 26 બેઠક બિનહરીફ મેળવી નગારે ઘા મારી દીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005 બાદ આ વખતે જિલ્લામાં સર્વાધિક બેઠકો બિનહરીફ થઈ છે. મહત્ત્વની બાબત એ છે કે, આ વખતે બિનહરીફ જાહેર થયેલી તમામ બેઠકો ભાજપે જ મેળવી છે.
2005માં સર્જાયો હતો વિક્રમ
વર્ષ 2005માં કચ્છ એક ઐતિહાસિક ઘટનાક્રમનું સાક્ષી બન્યું હતું. મુન્દ્રા તાલુકા પંચાયતમાં ભાજપે 12 બેઠક બિનહરીફ મેળવી ચૂંટણીના ધમધમાટ પૂર્વે જ તાલુકા પંચાયતમાં સત્તા કબજે કરી હતી. કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ સમયસર ન પહોંચતાં ફોર્મ રદ થયાની ઘટના સમગ્ર ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર ઘટી હતી. 2005ના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં ભાજપે 34 અને કોંગ્રેસે બે બેઠક બિનહરીફ મેળવતાં 36 બેઠક બિનહરીફ થયાનો વિક્રમ સર્જાયો હતો.
બાકીનાં વર્ષોમાં પ્રમાણ ઓછું
વર્ષ 2010માં 6, 2021માં 10, 2015માં માત્ર 3 બેઠક બિનહરીફ થઈ હતી. આમ 2005 અને 2026ને બાદ કરતાં બાકીનાં વર્ષોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં બેઠકો બિનહરીફ થવાનું પ્રમાણ ઓછું રહ્યું છે. જાણકારોના મતે બેઠકો બિનહરીફ થવાનું વધેલું પ્રમાણ લોકશાહી માટે સંકટસમાન છે. ચૂંટણીમાં પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે 5 વર્ષથી રાહ જોનારા મતદારોનો જ્યારે મતાધિકાર છીનવાઈ જતો હોય છે, ત્યારે તેઓ ભારે કચવાટ અનુભવે છે. આ વખતની ચૂંટણીની વાત કરીએ તો મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં એક-એક, નગરપાલિકામાં 15 અને તાલુકા પંચાયતમાં 9 મળી કુલ 26 બેઠક બિનહરીફ થઈ છે.


comments powered by Disqus