કેસર કેરીની વિદેશમાં ભારે ડિમાન્ડઃ વિદેશોમાં 10 કિલોના 25થી 30 ડોલર

Wednesday 22nd April 2026 06:10 EDT
 
 

જૂનાગઢઃ હાલ કેરીની સિઝન શરૂ થઈ છે, ત્યારે તમને જાણીને અચરજ થશે કે, જૂનાગઢમાં હાલ જે ગીરની કેસર કેરીનું 10 કિલોનું એક બોક્સ રૂ. 1200થી રૂ. 1500 ના ભાવે વેચાઈ રહ્યું છે. તે કેરી વિદેશમાં અનેકગણા ભાવે વેચાય છે. વિદેશમાં ખાસ કરીને યુ.કે., યુ.એસ.એ.. કતાર-દોહા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં એક ડઝનના અંદાજે 25 થી 30 ડોલરના ભાવે કેરીની ડિમાન્ડ છે. અત્યાર સુધીમાં વિદેશમાં કેરીની નિકાસ માટે સોરઠમાંથી 675 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
કેસર કેરીનું નામ પડે એટલે જૂનાગઢ અને તાલાલા પંથકના ખેડૂતોએ પકવેલી કેરી સૌ કોઈની આંખો સામે તરવા લાગે છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, કેસર કેરીની ખ્યાતિ આજે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ત્યારે હાલ કેસર કેરીની સિઝન આવી ગઈ છે, અને કેરીના રસિકો કેરી માટે પડાપડી કરી રહ્યા છે. આવા સમયે સોરઠ પંથકની કેરી ભારત બહાર પહોંચાડવા માટે પણ સજ્જ બની છે. 2023 માં 400 જેટલા ખેડૂતો, 2024 માં 110 ખેડૂતો અને 2025 માં 60 ખેડૂતોએ વિદેશમાં કેરીની નિકાસ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે આ વર્ષે 2026માં જૂનાગઢ અને ગીરસોમનાથના 81 ખેડૂતોની નોંધણી થઈ છે. હજુ મે મહિનાના અંત સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે.
બાગાયત અધિકારી મુજબ સોરઠ પંથકમાં કુલ 29,245 હેક્ટરમાં આંબાના બગીચા આવેલા છે. જેમાં ગીરસોમનાથ જિલ્લામાં 19,183 હેક્ટર, જૂનાગઢ જિલ્લામાં 9,510 હેક્ટર તેમજ પોરબંદર જિલ્લામાં 552 હેક્ટરમાં કેસર કેરીનું વાવેતર થાય છે. કેસર કેરી અહીંથી સમગ્ર ગુજરાત અને દેશમાં તો એક્સપોર્ટ થશે, પરંતુ વિદેશમાં પણ એક્સપોર્ટ કરાશે, જેને લઈને વિદેશમાં કેરીની નિકાસ કરવા માટે અત્યાર સુધીમાં કુલ 675 ખેડૂતોનું એગ્રિકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી- અપેડામાં રજિસ્ટ્રેશન થયું છે. ગયા વર્ષે રાજ્યથી 689 મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ હતી.
અમેરિકામાં 3 કિલો કેસર 25થી 30 ડોલરની
સોરઠમાંથી નિકાસ થતી કેસર કેરી સૌથી વધુ અમેરિકા, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને કતાર-દોહા સહિતના દેશોમાં એક્સપોર્ટ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, અહીંની કેસર કેરીની વિદેશમાં ભારે ડિમાન્ડ છે. અહીં ભારતમાં 10 કિલોના બોક્સના ભાવે કેરી વેચાય છે, જ્યારે વિદેશમાં 9થી 12 નંગની કેરી ધરાવતું સરેરાશ 3 કિલોનું બોક્સ હોય છે, જેનું અમેરિકામાં વેચાણ અંદાજે 25થી 30 ડોલરમાં થાય છે.
ચાલુ વર્ષે માવઠાની અસરને કારણે ઉત્પાદન ઘટતાં ગતવર્ષની સરખામણીએ કેરીની આવકમાં ઘટાડો નોંધાયો છે. માર્કેટયાર્ડના અગ્રણીઓની ઉપસ્થિતિમાં હરાજીના શ્રીગણેશ કરાયાં હતાં.


comments powered by Disqus