વિશ્વકપમાં વિજેતા થયા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર દેશનાં વિવિધ મંદિરોમાં જઈને ભગવાનનાં દર્શન કરી રહ્યા છે. જે અંતર્ગત કોચ ગંભીરની સાથે કેપ્ટન સૂર્યકુમાર યાદવ બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આ તકે ગંભીર અને સૂર્યકુમાર પોતાની સાથે વર્લ્ડકપની ટ્રોફી લઈને આવ્યા હતા. જ્યાં બંને દિગ્ગજોએ હનુમાનજીના ગર્ભગૃહમાં જઈ ટ્રોફી હનુમાનદાદાનાં ચરણોમાં અર્પણ કરી હતી. આ નિમિત્તે ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને 2000 કિલોથી વધુ કેરીનો ઉપયોગ કરીને દાદાનું સિંહાસન અત્યંત કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવે મંદિરે ધ્વજારોહણ પણ કર્યું હતું.

