હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી પહેલાં જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સાબરકાંઠાનાં ભાજપ ઉમેદવાર લીનાબહેન નિનામાનું નિધન થયું છે. તેઓ વિજયનગર તાલુકા પંચાયતની ચિતરિયા બેઠકથી ભાજપ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં હતાં. લીનાબહેન વિસ્તારનાં મજબૂત મહિલા આગેવાન તરીકે ઓળખાતાં હતાં અને સ્થાનિક રાજકારણમાં તેમની સક્રિય ભૂમિકા રહી હતી. તેમના અચાનક અવસાનથી પક્ષમાં તેમજ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
બુધવારે લીનાબહેનની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભિલોડાની હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. લીનાબહેનના નિધનના કારણે ચિતરિયા બેઠકની ચૂંટણી મોકૂફ રખાય તેવી શક્યતા છે.

