હિંમતનગરઃ બનાસકાંઠામાં ઉનાળામાં જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓને પીવાનાં પાણીની તકલીફ ન પડે તેની ચિંતા જડિયાલ ગામના પિતા-પુત્રએ કરી છે. જેઓ સ્વખર્ચે પોતાનું ટ્રેક્ટર અને ગ્રામપંચાયતના ટેન્કર દ્વારા વનવિભાગ દ્વારા બનાવાયેલા કુંડ પાણીથી ભરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 6000 લિટર પાણી તેમણે પશુ-પક્ષીઓને પીવડાવ્યું છે.
પાલનપુરના જડિયાલ ગામના સામાજિક કાર્યકર ખેડૂત અને જીવદયા પ્રેમી સમીરભાઈ દેસાઈ અને તેમના પુત્ર મિતેશ દરવર્ષે ઉનાળામાં સેવાનું કામ કરે છે. તેમણે જણાવ્યું કે, અસહ્ય ગરમીમાં મનુષ્યો તો ઠીક, અબોલ પશુ-પક્ષીઓની હાલત પણ કફોડી બની છે. આવી વિકટ પરિસ્થિતિમાં દરવર્ષે ઉનાળામાં જંગલમાં જઈએ છીએ. આ વખતે 2000 લિટર પાણીના ત્રણ ટેન્કર દ્વારા 6000 લિટર પાણી કુંડમાં ભર્યું છે. ગયા વર્ષે 50 પાણીનાં કુંડાં પણ ઝાડ ઉપર બાંધી તેમાં પાણી ભર્યું હતું.

