દિનેશ ત્રિવેદીઃ કચ્છના વતની હવે ઢાકામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Tuesday 21st April 2026 06:10 EDT
 
 

માંડવીઃ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામના અને વરિષ્ઠ રાજનેતા દિનેશ ત્રિવેદીને ભારત સરકારે એક અત્યંત મહત્ત્વની અને વ્યૂહાત્મક જવાબદારી સોંપી છે. પૂર્વ કેન્દ્રીય રેલમંત્રી દિનેશ ત્રિવેદીની બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ પ્રણય વર્માનું સ્થાન લેશે.
દિનેશ ત્રિવેદીનો પરિવાર મૂળ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામનો વતની છે. તેમના પિતા ભાગલા પૂર્વે કરાચીમાં સ્થાયી થયા હતા, પરંતુ દેશના વિભાજન બાદ તેઓ દિલ્હી આવ્યા અને ત્યારબાદ કોલકાતામાં સ્થાયી થયા હતા. 4 જૂન 1950એ જન્મેલા દિનેશ ત્રિવેદીએ એમબીએ બાદ કોમર્શિયલ પાઇલટની તાલીમ પણ લીધી હતી. તેમણે 1990માં પ્રથમ વખત રાજ્યસભાના સાંસદ તરીકે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા રાજકીય પલટા બાદ ભારત માટે આ નિમણૂક અત્યંત મહત્ત્વની છે. શેખ હસીના બાદ મોહંમદ યુનુસની વચગાળાની સરકાર અને હવે તારિક રહેમાન વડાપ્રધાન બન્યા બાદ બદલાતાં સમીકરણો વચ્ચે દિનેશ ત્રિવેદીની ભૂમિકા નિર્ણાયક રહેશે.
તેમની નિમણૂક પાછળનાં કારણો
ભાષાકીય પ્રભુત્વઃ દિનેશ ત્રિવેદી પશ્ચિમ બંગાળના રાજકારણમાં દાયકાઓ સુધી સક્રિય રહ્યા છે, જેથી બંગાળી ભાષા પર પૂરતું પ્રભુત્વ ધરાવે છે, જે બાંગ્લાદેશ સાથેના સંબંધોમાં સેતુરૂપ બનશે.
વહીવટી અનુભવ: લોકસભા-રાજ્યસભા તેમજ પૂર્વ રેલમંત્રી તરીકેનો તેમનો બહોળો અનુભવ બંને દેશો વચ્ચેના વેપાર અને પરિવહન સંબંધને મજબૂત કરવામાં મદદરૂપ થશે.
વ્યૂહાત્મક પગલું: દિનેશ ત્રિવેદી પશ્ચિમ બંગાળના રાજકારણના જાણકાર હોવાથી સરહદી મુદ્દાઓ અને હિન્દુ સમુદાયની સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયો પર સચોટ કામગીરી કરી શકશે.
આ નિમણૂક અંગે ખુશી વ્યક્ત કરતાં બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી હેમંત રાંભિયાએ જણાવ્યું કે, ત્રિવેદી પરિવાર અને તેમના પરિવાર વચ્ચે વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. દિનેશભાઈ સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિમાં વર્ષોથી સક્રિય છે. તાજેતરમાં જ જાન્યુઆરી માસમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં પણ તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, બાંગ્લાદેશમાં નવી સરકાર સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે દિનેશ ત્રિવેદીની પસંદગી પાછળ તેમનું ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી પરનું પ્રભુત્વ મુખ્ય છે. અગાઉ ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મોકલાયેલા ભારતીય ડિપ્લોમેટ્સના પ્રતિનિધિમંડળમાં પણ તેમને સામેલ કરાયા હતા.


comments powered by Disqus