સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સપ્તાહ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હી હાઈકમાન્ડ અને સુરત વચ્ચે ચાલતા હવાલાકાંડનો પર્દાફાશ થયો છે. દિલ્હીથી છેલ્લા છ મહિનામાં રૂ. 1.25 કરોડ જેટલું ફંડ આંગડિયા મારફતે સુરત મોકલાયું હોવાનો ક્રાઇમબ્રાન્ચ અને ઉમરા પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.
આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર તરીકે દિલ્હીના હિમાંશુ પાહુજા અને સુરતના આકાશ મિશ્રા તેમજ અજય તિવારીનાં નામ ખૂલ્યાં છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને સુરતમાં આમ આદમી પાર્ટી માટે મોટું ફંડ દિલ્હીથી હવાલા મારફતે આવી રહ્યું છે. જે દિશામાં તપાસ કરી ક્રાઇમબ્રાન્ચેે પિપલોદના પ્રગતિનગરમાં રહેતા આકાશ મિશ્રાની અટકાયત કરી હતી. આકાશે ખુલાસો કર્યા મુજબ દિલ્હીના જનકપુરીમાં રહેતો હિમાંશુ પાહુજા આંગડિયામાં નાણાં મોકલતો હતો. છેલ્લા 5થી 6 મહિનામાં મહિધરપુરાની અરવિંદ હિરેન આંગડિયા પેઢીમાં રૂ. 1.25 કરોડ જેટલી રકમ પાહુજાએ મોકલી હતી.
આંગડિયામાં નાણાં લેવા આકાશ મિશ્રા અને અજય તિવારી જતા હતા. સુરતમાં 'આપ'ના ઉમેદવારો માટે અને મતદારોને રિઝવવા આ ફંડનો ઉપયોગ થતો હોવાની પોલીસને આશંકા છે.

