નીતિન પટેલના ગઢમાં વિપક્ષ સાફ

ઇલેક્શન રાઉન્ડઅપ

Wednesday 22nd April 2026 06:10 EDT
 
 

કડી નગરપાલિકામાં ભાજપે વિજયનો શંખનાદ ફૂંકી ઇતિહાસ રચ્યો છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હોમટાઉન કડીમાં ભાજપે મતદાન પહેલાં જ 2/3 બહુમતી પ્રાપ્ત કરી સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે.

• નવસારીમાં ભાજપની 60 સીટ બિનહરીફ: નવસારીમાં જિલ્લા-તાલુકા, નપા અને મનપાની 60 બેઠક પર ભાજપ બિનહરીફ થયો છે. જેમાં જિલ્લા પંચાયતની 9, તાલુકા પંચાયતની 27, મહાનગરપાલિકાની 2 અને નગરપાલિકાની 23 બેઠકબિન હરીફ થઈ છે.

• ભાજપે પાલનપુર કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાવ્યુંઃ પાલનપુર પ્રાંત કચેરીએ કોંગ્રેસ આગેવાનોનો પહેરો હોવા છતાં ભાજપ આગેવાનો કોંગ્રેસનાં પાલનપુર વોર્ડ-1નાં મહિલા ઉમેદવાર આરતી ઠાકોરને દુપટો બાંધી લઈ આવ્યાં હતાં અને ફોર્મ પરત ખેંચાવ્યું હતું.

• અમદાવાદની થલતેજ બેઠક પણ ભાજપના નામેઃ અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપનાં મહિલા ઉમેદવાર બિનહરીફ થયાં છે. કોંગ્રેસ ઉમેદવાર રમીલા ઠાકોરે ફોર્મ પરત ખેંચતાં ભાજપનાં ઉમેદવાર રીટાબહેન ઠાકોર બિનહરીફ થયાં છે.

• ડભોઈમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે મારામારીઃ વડોદરામાં ડભોઈ તાલુકા પંચાયતના લીંગસ્થળી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ પાટણવાડિયાએ ફોર્મ પરત ખેંચતાં મામલો બીચકતાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે મારામારી થઈ. ડભોઈથી કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર પટેલ બિનહરીફ થયા છે. આ મારામારીમાં અનેક કાર્યકરો ઘાયલ થયા હતા.

• સુરતમાં આપ ઉમેદવારને બચાવી લેવાયાઃ સુરત વોર્ડ-18ના ઉમેદવાર ગૌતમ પટેલને આખી રાત ડરાવ્યાનો આક્ષેપ આપ નેતા રજની વાઘાણીએ કર્યો. તેમણે જણાવ્યું કે, આપ ઉમેદવાર ગૌતમ પટેલને ભાજપના લોકો ફોર્મ ખેંચવા લઈ જતા હતા, ત્યારે બચાવી લેવાયા છે.

• જયરાજસિંહ પર આરોપ કરતો ઓડિયો વાઇરલઃ ગોંડલમાં ચૂંટણીને લઈ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મેદાને છે. આ દરમિયાન કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પાતરની કથિત ઓડિયો વાઇરલ થઈ છે, જેમાં જયરાજસિંહનું ફોર્મ ખેંચવા દબાણ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

• આપના મહિલા ઉમેદવારને ખરીદવાનો પ્રયાસઃ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સુરતમાં ભાજપ ઉમેદવાર દ્વારા આપનાં મહિલા ઉમેદવાર અને તેની પુત્રીને ફોર્મ ખેંચવા ધમકી આપી રહ્યા હોવાનું સંભળાઈ રહ્યું છે.

• રિવાબાની નણંદને શુભેચ્છાઃ કહ્યું ‘ભાજપ જ જીતશે’: રાજ્ય સરકારનાં મંત્રી રિવાબા જાડેજાએ પોતાનાં નણંદ નયનાબા જાડેજાને કોર્પોરેશનની ચૂંટણી માટે શુભેચ્છા પાઠવતાં કહ્યું કે, જીતશે તો ભાજપ જ. રિવાબા અને નણંદ નયનાબા બંને અલગ-અલગ પક્ષમાં છે. બંને વચ્ચેના મતભેદ જાહેરમાં ઘણીવાર આવે છે.

• ચૂંટણી પહેલાં 3 ઉમેદવારનાં મોતઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં બાવળા, બારડોલી અને સાબરકાંઠામાં એક-એક ઉમેદવારનાં અચાનક અવસાન થયાં છે. આ સ્થિતિને ધ્યાને રાખી ચૂંટણીપંચે 3 બેઠક પર મતદાન મોકૂફ રાખ્યું છે. ચૂંટણીપંચે જણાવ્યું કે, સામાન્ય ચૂંટણી બાદ આ ત્રણ બેઠકો માટે નવી તારીખ જાહેર કરાશે. આ માટે અલગથી કાર્યક્રમ ઘડવામાં આવશે જેથી મતદારોને ફરીથી મતદાન કરવાની તક મળી શકે.


comments powered by Disqus