ભારત કેપિટોલ હિલ ખાતે પ્રદર્શનમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદને ખુલ્લો પાડશે

Wednesday 22nd April 2026 07:01 EDT
 
 

વોશિંગ્ટનઃ ભારત દ્વારા ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રના મંચ પર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદનો મુદ્દો ઉઠાવાશે. અમેરિકાનાં વોશિંગ્ટનમાં સંસદ ભવન કેપિટોલ હિલ ખાતે ભારતીય દૂતાવાસ દ્વારા ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ નામે પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનું સત્ય ઉજાગર કરાશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન કવાત્રા કરશે. પાકિસ્તાન અમેરિકા-ઇરાન સંઘર્ષમાં પોતાની જાતને શાંતિદૂત તરીકે પ્રોજેક્ટ કરે છે ત્યારે તેનાં આતંકી હુમલાઓની સચ્ચાઈ બહાર પડાશે. આ પ્રદર્શન પહલગામ આતંકી હુમલાની પ્રથમ વરસીએ યોજાઈ રહ્યું છે. ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને આ હુમલાનો જવાબ અપાયો હતો.
ભારતે UNમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો
ભારત દ્વારા પહેલીવાર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદનો મુદ્દો ઉઠાવાઈ રહ્યો છે તેવું નથી. ગતવર્ષે જુલાઈમાં પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અધ્યક્ષ હતું, ત્યારે ભારતે સંયુક્ત રાષ્ટ્રનાં હેડક્વાર્ટરમાં આવું જ એક પ્રદર્શન યોજ્યું હતું. જેનો હેતુ વિશ્વ સ્તરે આ ગંભીર મુદ્દો ઉઠાવવાનો હતો.
મહત્ત્વના હુમલાને આવરી લેવાશે
આ ડિજિટલ પ્રદર્શનમાં આખા વિશ્વમાં થયેલા ભયાનક આતંકી હુમલા દર્શાવાશે. જેમાં 1993નાં બોમ્બ વિસ્ફોટ, 2008નાં આતંકી હુમલા તેમજ પહલગામનાં ઘાતકી હુમલાનાં દ્રશ્યોને સામેલ કરાશે. દરેક હુમલામાં સંડોવાયેલા આતંકી સંગઠનોના નામ પણ દર્શાવાશે. જેમાં ખાસ કરીને તોયબા અને બીજા આતંકી સંગઠનો સામેલ છે. ગત 22મી એપ્રિલે પહલગામમાં થયેલા ઘાતકી આતંકી હુમલાની પહેલી વરસી છે. બૈસરન ઘાટીમાં આવેલા પ્રવાસીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. જેમાં 25 ભારતીય અને એક નેપાળીનું મોત થયા હતા.


comments powered by Disqus