ભાવનગર શહેરનો 304મા વર્ષમાં પ્રવેશ

Wednesday 22nd April 2026 06:10 EDT
 
 

ભાવનગર: મહારાજા ભાવસિંહજી પ્રથમ દ્વારા વૈશાખ સુદ ત્રીજ (અખાત્રીજ), સંવત 1779ના રોજ ભાવનગર શહેરની સ્થાપના કરાઈ હતી. આ વર્ષે એટલે કે 2026માં ભાવનગર તેના ગૌરવવંતા ઇતિહાસનાં 303 વર્ષ પૂર્ણ કરી 304મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.
ઈ.સ. 1723 (વૈશાખ સુદ ત્રીજે)માં વડવા ગામ પાસે ભાવસિંહજીએ આ શહેર વસાવ્યું હતું. ભાવનગર તેની શિક્ષણપ્રેમી જનતા અને સાહિત્યિક વારસાને કારણે ‘ગોહિલવાડની સંસ્કારી નગરી’ તરીકે ઓળખાય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ઉદાર શાસકને કારણે ભાવનગર આઝાદી સમયે ભારતમાં ભળનારું પ્રથમ રજવાડું હતું.
ગિજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ અને ઝવેરચંદ મેઘાણી જેવી મહાન વિભૂતિની કર્મભૂમિ ભાવનગર ભવ્ય સ્થાપત્ય વારસા માટે જાણીતું છે. ગોહિલવાડના શાસકોએ કલા અને સ્થાપત્યને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે. જે અંતર્ગત વિવિધ ઐતિહાસિક સ્થળો અસ્તિત્વમાં આવ્યાં હતાં. ભાવનગરના આ ઐતિહાસિક સ્થળોમાં જર્મન આર્કિટેક્ટ સિમ્સ દ્વારા ડિઝાઇન કરાયેલો નીલમબાગ પેલેસ, પહાડ પર આવેલું આરસનું તખ્તેશ્વર મંદિર, અણમોલ કલાકૃતિના સંભારણાં સાથેનું બાર્ટન મ્યુઝિયમ, ગંગાજળિયા તળાવ, શિવમંદિર અને વિક્ટોરિયા પાર્કનો સમાવેશ થાય છે.


comments powered by Disqus