મે મહિનામાં 4 દેશોની મુલાકાતે જશે વડાપ્રધાન મોદી

Wednesday 22nd April 2026 07:01 EDT
 
 

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15થી 20 મે દરમિયાન નોર્વે, સ્વિડન, નેધરલેન્ડ અને ઇટાલીના પ્રવાસે જવાની શક્યતા છે. આ યાત્રા દરમિયાન તેઓ નોર્વેમાં યોજાનારા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લેશે. ભારત અને EU વચ્ચે 18 વર્ષના લાંબા ગાળા બાદ થયેલા મુક્ત વ્યાપાર કરાર (FTA)ના અમલીકરણ અને મધ્ય-પૂર્વમાં ઊર્જાસંકટ વચ્ચે આ મુલાકાત અત્યંત નિર્ણાયક મનાઈ રહી છે. ખાસ કરીને હોર્મુઝની સ્ટ્રેટમાં સર્જાયેલા તણાવ અને ક્રૂડના વધતા ભાવ વચ્ચે વડાપ્રધાન મોદી યૂરોપિયન નેતાઓ સાથે ઊર્જાસુરક્ષા પર ચર્ચા કરી શકે છે.
ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ડેન્માર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વિડન જેવા દેશો સામેલ થશે, જે ભારત માટે ટેક્નોલોજી, ગ્રીન એનર્જી અને મેરિટાઇમ સેક્ટરમાં મહત્ત્વના ભાગીદારો છે. આ દેશો સાથે ભારતની વધતી નિકટતા ચીન અને રશિયાના બદલાતા પ્રભાવ વચ્ચે એક નવું સંતુલન સ્થાપિત કરવામાં મદદરૂપ થશે. નોર્વે બાદ પીએમ મોદી સ્વિડન અને નેધરલેન્ડની મુલાકાત લેશે, જે ભારતમાં વિદેશી રોકાણ અને હાઇટેક મેન્યુફેક્ચરિંગ માટેના મુખ્ય સ્રોત છે. જાન્યુઆરી 2026માં ભારત-EU વચ્ચે 18 વર્ષના લાંબા ગાળા બાદ કરાર પર સહમતી સધાઈ હતી. આ કરાર હેઠળ ભારતની 93 ટકા નિકાસ પર યૂરોપના 27 દેશોમાં કોઈ શુલ્ક લાગશે નહીં.


comments powered by Disqus