લાઠીઃ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની’ આ કવિતાના સર્જક એટલે લાઠીના રાજવી સુરસિંહજી તખ્રસિંહજી ગોહેલ (કવિ કલાપી). જ્યાં બેસીને તેઓએ આ કવિતાનું સર્જન કર્યું હશે તે મહેલ હવે થોડા સમયમાં ભૂતકાળની યાદ બની જાય તેવી હાલતમાં છે. લાઠી શહેરમાં આવેલા મહેલો માંથી સમયની સાથે-સાથે 5 જેટલા મહેલો તો આજે નથી રહ્યા પરંતુ હવે બચેલો એક માત્ર કલાપીનો આ મહેલ પણ હાલ જર્જરિત હાલતમાં છે. દરબાર ગઢના આ મહેલમાં પ્રાચીન કોતરણી કામ, વિદેશી સામાન તેમજ વૈવિધ્ય છલકતા હતા. જાળવણીના અભાવે આ મહેલની દશા ખંડેર જેવી થઈ ચૂકી છે. ઠેક-ઠેકાણેથી આ મહેલમાં રહેલો કાટમાળ ખરી રહ્યો છે, લાકડાં પડી રહ્યા છે, ધૂળ ખરી રહી છે અને માંડ-માંડ આ મહેલ ટકી રહ્યો છે. એક સમયે લાઠી શહેરની શાન ગણાતા આ મહેલની હાલત ખૂબ જ દયનિય થઈ ચૂકી છે. મહેલની આસપાસમાં કચરાના ઢગ પણ જોવા મળી રહ્યા છે ત્યારે કલાપીના ચાહકોમાં આજે દુઃખની લાગણી છવાઇ છે.
લાઠી શહેરની એક પ્રાચીન ઓળખાણ ગણાતી અને દરબાર ગઢમાં જ આવેલી પ્રાચીન જેલ પણ જાળવણી ઝંખી રહી છે. રાજાશાહી વખતે પથ્થરોથી બનાવવામાં આવેલી જેલ આજે પણ લાઠીની એક આગવી ઓળખરૂપ છે પરંતુ તેનાં બારી- બારણાં પણ નીકળી ગયેલી હાલતમાં છે, બાજુમાં જ કચરાપેટી મુકવામાં આવેલી છે તેમજ આસપાસ ગંદકી કરવામાં આવે છે. આવી જગ્યાઓની સાચવણી કરવાને બદલે તંત્ર દ્વારા જ કચરો ઠાલવી નુકસાન પહોંચાડાઈ રહ્યું છે. જો આ બન્ને સ્થળની સાચવણી કરવામાં આવે તો પર્યટન સ્થળ તરીકે વિકસી શકે છે.

