કરમસદઃ શ્રીકૃષ્ણ હોસ્પિટલ કરમસદનું કાર્ડિયાક સેન્ટર S.-ICD ઇમ્પ્લાન્ટેશન દ્વારા જિલ્લામાં પ્રથમ અને રાજ્યમાં બીજા ક્રમે આવ્યું છે. હૃદય અચાનક બંધ થઈ જાય તો તેનાથી બચવા માટે આધુનિક સબક્યુટેનિયસ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફ્રિબ્રિલેટર (S.-ICD) મેડિકલ ડિવાઇસ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને જીવન બચાવે છે. આ ડિવાઇસ તમારા હૃદયના અસામાન્ય ધબકારાનું નિરીક્ષણ કરે છે અને જ્યારે ઝડપી અસામાન્ય ધબકારા જણાય તો છાતીમાં શોક આંચકો આપે છે અને હૃદયના ધબકારાને સામાન્ય બનાવે છે.
ગુજરાતમાં હૃદયરોગ સારવાર ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પ્રગતિના ભાગરૂપે ભાઈકાકા યુનિવર્સિટીની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભાનુભાઈ અને મધુબહેન પટેલ કાર્ડિયાક સેન્ટરે સફળતાપૂર્વક દર્દીની છાતીમાં પ્રથમ સબક્યુટેનિયસ ઇમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફ્રિબ્રિલેટર (S.-ICD) ઇમ્પ્લાન્ટેશન કર્યું છે.
કાર્ડિયોલોજિસ્ટ ડો. કુશલ પૂજારાએ જણાવ્યું કે, આ ઉપકરણ 76 વર્ષના દર્દીમાં ઇમ્પ્લાન્ટ કરાયું હતું, જેમને ત્રણ મહિના પહેલાં યુનાઇટેડ સ્ટેટસમાં ગંભીર હૃદયરોગનો હુમલો થયો હતો. આ હુમલાના કારણે દર્દીના હૃદયના ડાબા ભાગનું પમ્પિંગ ચેમ્બર નબળું થઈ ગયું હતું અને શરીરમાં લોહી પહોંચવાની ક્ષમતા ખૂબ ઘટી ગઈ હતી. આ સિવાય હૃદયની નસોમાં બ્લોકેજ પણ હતું. હૃદયરોગના હુમલાના કારણે હૃદયના સ્નાયુઓના કેટલાક ભાગમાં કાયમી ડાઘ પડી ગયા હતા અને એ ભાગ સંકોચાવાથી હૃદયને પમ્પિંગ પૂરતા પ્રમાણમાં મળતું નહોતું. આવા કેસમાં હૃદયના ધબકારા ઝડપી અને અનિયમિત થઈ શકે છે અને અચાનક હૃદયનું પમ્પિંગ બંધ થતાં દર્દીનું અચાનક મૃત્યુ થઈ શકે છે. આ અદ્યતન ટેક્નોલોજી ધરાવતું મેડિકલ ડિવાઇસ યોગ્ય સમયે અને જરૂર પડ્યે હૃદયને શોક આપીને ફરીથી ધબકતું કરે છે અને દર્દીની જિંદગી બચાવે છે.

