સત્સંગ કરાવવો એ ભગવાનની નોકરી સમાન: મહંત સ્વામી

Wednesday 22nd April 2026 07:18 EDT
 
 

ભાવનગર: બીએપીએસ સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડી ખાતે મંદિર દ્વિદશાબ્દી મહોત્સવ અને અક્ષરબ્રહ્મનાં ઓવરણા કાર્યક્રમ પ્રસંગે પ.પૂ. મહંત સ્વામીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે કોઈ જીવને સત્સંગ કરાવવો એ ભગવાનની નોકરી સમાન જ ગણવું. ભગવાને આપણને ઘણું આપ્યું છે અને સત્સંગ પણ આપ્યો છે તો તે સત્સંગ બીજાને પણ કરાવવો જોઈએ. બીજાના જીવનને પણ સત્સંગનો ખપ લગાવવો એ પણ એક પ્રકારની ભગવાનની સેવા જ ગણવી જોઈએ.
સત્સંગ કરાવવા માટે અનેક પ્રકારના દુઃખ અને કષ્ટ આવે પણ એ ભગવાનની નોકરી સમજીને એ સેવા યથાર્થ કરવી જોઈએ. આ સેવા કરવાથી અહો અહો થવું જોઈએ કે મને આ સેવા ક્યાંથી? ગ્રામ્ય દિને ભાવનગરની આજુબાજુનાં ગામનાં અનેક હરિભક્તોની હાજરી જોવાં મળી હતી. બાળકો દ્વારા પણ ભગવદ્દ વાતોના મુખપાઠ મહંત સ્વામી મહારાજ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.
સાંજની સભામાં ગ્રામ્ય દિન નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા. ભાવનગરની આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સત્સંગ મંડળનાં અનેક સત્સંગી હરિભક્તોનાં સેવા, સત્સંગ અને સમર્પણની ગાથા મહંત સ્વામી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરી સ્વામીનો રાજીપો ઝીલ્યો હતો. અનેક નાના, મોટા બાળકો, વડીલો અને વૃદ્ધ હરિભક્તોએ ઉપસ્થિત રહી લાભ પ્રાપ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે પ.પૂ. મહંત સ્વામી મહારાજ ભાવનગર વિચરણ બાદ સુરત પધાર્યા છે.


comments powered by Disqus