અમદાવાદ: અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂરી થયા બાદ હવે 25,551 ઉમેદવારો મેદાને છે અને 1900થી વધુ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં રેકોર્ડબ્રેક 731 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આમ હવે 9274 બેઠકો માટે ચૂંટણી થશે, જેમાં નગર પાલિકાઓની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ગત 2021ની ચૂંટણીમાં 241 બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારે આ વખતે તોડજોડની રાજનીતિ વચ્ચે 731 બેઠકો બિનહરીફ થવા સાથે ભાજપના નેતાઓ ગર્વ લઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ 731 બેઠકોના લાખો મતદારો મતદાન અધિકાર છીનવાતાં રોષ ઠાલવી રહ્યા છે. એક બાજુ ચૂંટણીપંચ વધુ મતદાન થાય તે માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને પ્રચાર કરે છે, પરંતુ બીજી બાજુ મતદાન અધિકાર જ છીનવાઈ જાય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આગામી 26 એપ્રિલે મતદાન છે. ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડી સુધી ફોર્મ પરત ખેંચવા અને ખેંચાવવા માટે દોડધામ મચી હતી. ચૂંટણીપંચની વિગતો મુજબ હવે કુલ 25,551 ઉમેદવારો મેદાને છે. રાજ્યની 34 જિલ્લા પંચાયતો, 260 તાલુકા પંચાયતો, 84 નગરપાલિકા અને 15 મહાનગરપાલિકાની 10005 બેઠકોની મુખ્ય સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકાઓની 13 બેઠકોની પેટાચૂંટણીમાં કુલ મળીને 39,389 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં, જેમાંથી 11,444 ફોર્મ રદ થયાં હતાં અને 27,945 ફોર્મ માન્ય રહ્યાં હતાં. જો કે 1663 ફોર્મ પરત ખેંચાતાં 25,551 ઉમેદવારો ચૂંટણી મેદાને રહ્યા છે.
કોંગ્રેસ અને આપ સહિતના વિવિધ પક્ષોના અને અપક્ષોના કુલ મળીને 1600થી વધુ ઉમેદવારી ફોર્મ પરત ખેંચાતાં ભાજપે ચૂંટણી પહેલાં જ 731 બેઠકો બિનહરીફના દાવા સાથે હાંસલ કરી લીધી છે, એટલે કે વિજય મેળવી લીધો છે. જેમાં પેટાચૂંટણીની નગરપાલિકાની 4 બેઠક પણ સામેલ છે. આ વખતની ચૂંટણીમાં હવે કુલ 9287 બેઠકો માટે 25,551 ઉમેદવારો વચ્ચે જંગ જામશે ગત 2021ની ચૂંટણીમાં કુલ 9587 વોર્ડની 9050 બેઠકો પૈકી 241 બેઠકો બિનહરીફ થઈ હતી અને 8809 બેઠકો માટે ચૂંટણી થઈ હતી, જેમાં 24,438 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. આમ આ વખતની ચૂંટણીમાં બિનહરીફ બેઠકો ત્રણ ગણી વધી છે.
ઈતિહાસમાં પહેલીવાર 731 બેઠકો બિનહરીફઃ વિશ્વકર્મા
ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાવનગરમાં યોજાયેલી સભામાં દાવો કર્યો હતો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 731 બેઠકો બિનહરીફ જીતી લીધી છે. હજુ 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે તે પહેલાં જ પાલિકા અને પંચાયતોની કુલ બેઠકો પૈકી આટલી મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો જીતી ગયા છે. તેમણે પોતાની આ જીતને ઐતિહાસિક ગણાવતાં કહ્યું કે, ગુજરાતના ઇતિહાસમાં એવું પહેલીવાર થયું હશે કે ચૂંટણી પહેલાં જ પક્ષના 700થી વધુ ઉમેદવારો જીતી ગયા હોય.
આ સાથે જ વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપે તેમના પૂરોગામી અધ્યક્ષ સી.આર. પાટીલનો વિક્રમ તોડ્યો છે. વર્ષ 2021માં યોજાયેલી પાલિકા-પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના કુલ 219 ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. આ પછી યોજાયેલા મતદાન બાદ પરિણામો જાહેર થતાં ભાજપે 91 ટકા જેટલી બેઠકો કબજે કરી હતી. આ સિવાય બુધવારે બહાર પડેલાં ચિત્રમાં કડી નગરપાલિકામાં ભાજપે પહેલેથી જ બે તૃતિયાંશ બહુમતી હાંસલ કરી છે. કુલ 36 પૈકી 28 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.

