દક્ષિણ અને મધ્ય ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજા સૌરાષ્ટ્ર પર કોપાયમાન

Friday 24th July 2026 05:03 EDT
 
 

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને એક અઠવાડિયા કરતાં વધુ સમયથી મેઘરાજા ધમરોળી રહ્યા છે, ત્યારે 22 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન મધ્ય ગુજરાતને પણ વરસાદે હંફાવી દીધું છે. આટલેથી પૂરું ન થતાં 24 જુલાઈએ સૌરાષ્ટ્રને પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી દીધું છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપથી દક્ષિણ ગુજરાતના લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાતમાં પણ ઠેરઠેર પાંચ ફૂટ જેટલું પાણી ભરાયું છે. આ સ્થિતિમાં લોકોને દુકાનો, રોજગારો અને ઘરમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આટલેથી ન અટકતાં આ ભયાનક જળભરાવ થતાં લોકોની કાર સહિતનાં અન્ય વાહનોને પણ મોટું નુકસાન થયું છે. આ ભયાવહ સ્થિતિમાં અનેક સ્થળેથી એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીને સક્રિય કરી દેવામાં આવ્યા છે, જેઓ દ્વારા હજારો લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત

ગણદેવીમાં 30થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામ ખાતે અંબિકા નદીના પાણી સતત વધી જતાં ઝીંગા ફાર્મ (તળાવ)ની સાઇટ પર 30થી વધુ લોકો ફસાઈ ગયા હતા. ગત રોજ ફસાયેલા લોકોએ વિડીયો વાયરલ કરી મદદની ગુહાર લગાવી હતી, જેને પગલે તાત્કાલિક હરકતમાં આવેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાયુસેનાના હેલિકોપ્ટરની મદદથી તમામ 30થી વધુ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
સુરતમાં ખાડીપૂરથી સ્થિતિ વિકટ બની
સુરતમાં ભારે વરસાદના પગલે ખાડીપૂરની સ્થિતિ વધુ વિકટ બની છે, જેના આકાશી દૃશ્યો સામે આવતા જ પરિસ્થિતિની ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાસ કરીને પર્વતગામ વિસ્તાર આખેઆખો બેટમાં ફેરવાઈ ગયો છે અને ચારેય તરફ માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સ્થાનિકો માટે મુશ્કેલી એ છે કે, હજી પણ મીઠીખાડીના પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને તે મુખ્ય રોડ-રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈને સંપર્કવિહોણો બન્યો છે.
20 વધુ ટ્રેન રદ, સુરતમાં મુસાફરો અટવાયા
દક્ષિણ ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરનારા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઘોલવડ, ઉમરગામ અને બીલીમોરા રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા સુરત-મુંબઈ રુટ પર ટ્રેનોના પૈડાં થંભી ગયા છે.
ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં 20 વધુ ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. જેના કારણે સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલથી જ હજારો મુસાફરો અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકીનો માહોલ સર્જાયો છે.

મધ્ય ગુજરાત

ગાંધીનગરમાં વાહનચાલકો અટવાયા
ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે સેક્ટર-16 મેટ્રો સ્ટેશન નીચે જળબંબાકારની સ્થિતિ સર્જાતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત વાવોલ રેલવે સ્ટેશન અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યાં એક ટેમ્પો અંડરપાસમાં ફસાઈ ગયો હતો.
વિશ્વામિત્રી 13 ફૂટે પહોંચતાં વડોદરા તંત્ર એલર્ટ
ઉપરવાસમાં ભારે વરસાદથી વિશ્વામિત્રી નદીની જળસપાટી 13 ફૂટે પહોંચતાં તંત્ર એલર્ટ બન્યું છે. પૂરની શક્યતાને પગલે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને સતર્ક રહેવા જણાવાયું છે. તંત્ર ચોવીસે કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરાઈ છે.
અમદાવાદ-રાજકોટ હાઈવે બંધ, બગોદરા ડાઈવર્ઝન અપાયું
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા પાસે ભારે વરસાદના કારણે ગંભીર સ્થિતિ સર્જાતાં બગોદરાથી સનાથલ સુધીનો માર્ગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. બાવળાના ગેલોપ્સ પાર્ક પાસે પૂરના પાણીમાં ફસાયેલા 900 જેટલા લોકોને બચાવવા માટે પોલીસ અને SDRFની ટીમો દ્વારા યુદ્ધધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાઈવે બંધ થતાં વાહન-વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેથી તંત્ર દ્વારા અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરતા વાહનો માટે બગોદરાથી વેજળકા થઈને ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર

લીલીયામાં મુશળધાર વરસાદથી નાવલી નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લાના લીલીયા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસેલા મુશળધાર વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. લીલીયા બજારમાંથી પસાર થતી નાવલી નદી બે કાંઠે વહેતાં નદીના પાણી બજારની અનેક દુકાનોમાં ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘોડાપૂર દરમિયાન એક આખલો તણાતો જોવા મળ્યો હતો, જ્યારે પાણીના તીવ્ર પ્રવાહમાં ફસાયેલી એક રિક્ષાનું સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લીલીયા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ જતાં ભારે હાલાકી સર્જાઈ હતી; હાલ સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
અમરેલી–બગસરા હાઇવે પર પૂર
અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. પાણીયા ગામ નજીક સાતલડી નદીમાં ઘોડાપૂર આવતાં પૂરના પાણી પુલ પરથી વહેવા લાગ્યા છે, જેના લીધે અમરેલી-બગસરા હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. તંત્ર દ્વારા વાહનચાલકોને પૂરના પાણી ઓસરે ત્યાં સુધી મુસાફરી ન કરવા, વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને નદી કે પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની ખાસ સલાહ આપવામાં આવી છે.
રાજકોટમાં 2 ઇંચ વરસાદથી બે ડેમ છલકાયા
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકા તેમજ ખીરસરા પંથકમાં મોડી રાત્રે પડેલા મુશળધાર વરસાદથી સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે, જેનાથી કપાસ અને મગફળી સહિતના પાકોને નવજીવન મળતાં ખેડૂતોમાં આનંદ છવાયો છે. બીજી તરફ, રાજકોટ શહેરમાં રાત્રિ દરમિયાન સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાતાં સિઝનનો કુલ વરસાદ 8.60 ઇંચે પહોંચ્યો છે. ભારે પાણીની આવકના લીધે આજી-2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી પડધરી તાલુકાના 10 ગામોને સાવચેત કરાયા છે. આ ઉપરાંત, જેતપુર પાસેનો સુરવો ડેમ 80 ટકા ભરાઈ જતાં નીચાણવાળા થાણા ગાલોળ, ખીરસરા અને ખજુરી ગુંદાળા ગામોને એલર્ટ કરી નદીના પટમાં ન જવાની ખાસ તાકીદ કરવામાં આવી છે.
કાલાવડના બામણગામમાં નાળામાં કાર તણાઈ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બામણગામ વિસ્તારમાં મેઘરાજાની ધોધમાર બેટિંગને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. પાણીના તીવ્ર પ્રવાહમાં એક કાર નાળા પાસે ફસાઈ જતાં જોખમી સ્થિતિ સર્જાઈ હતી, જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવી ટ્રેક્ટર અને દોરડા વડે કારને સુરક્ષિત બહાર ખેંચી લીધી હતી. ગ્રામજનોની સમયસરની સતર્કતાથી મોટી હોનારત ટળી હતી. બીજી તરફ, નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોને વહેતા પાણી કે નાળામાંથી પસાર ન થવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
અમરેલી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર
અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી નદીએ ભારે વરસાદ બાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગાવડકા ગામ નજીક શેત્રુંજી અને સાતલડી નદીના સંગમ સ્થળે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીમાં સતત પાણીની આવક થતાં જળસ્તર ઝડપથી વધ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત રહેવા અને નદી નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાત

સાંતલપુરના વારાહી પંથકમાં ધોધમાર વરસાદ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પંથક અને આસપાસના ગામોમાં વરસેલા ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ અને ચિંતાનો મિશ્ર માહોલ સર્જાયો છે. લાંબા સમયની રાહ બાદ પડેલા આ વરસાદથી ખરીફ પાકને સંજીવની મળી છે તેમજ તળાવો અને ચેકડેમોમાં નવા નીર આવતાં ખેડૂતો તથા પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. જોકે, નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જતાં નવા વાવેતરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં અતિભારે વરસાદ ચાલુ રહેશે તો પાકને મોટું નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં સાવચેતી અને ચિંતા જોવા મળી રહી છે.
વિસનગરમાં ધોધમાર, પાણી ભરાયા
વિસનગર શહેરમાં પડેલા વરસાદને લઈ શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. શહેરના ધરોઈ કોલોનીથી મહેસાણા ચોકડી સુધી રોડ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને એપીએમસી ગેટ આગળ પણ પાણી ભરાયા છે.


comments powered by Disqus