દાહોદમાં ‘સ્પેશિયલ-26’ ફિલ્મને ટક્કર મારે તે પ્રકારે રૂ. 28.60 લાખના સોનાની ઠગાઈ

Tuesday 21st July 2026 14:16 EDT
 
 

અમદાવાદઃ 15 જુલાઈએ આખા ગુજરાતની જેમ દાહોદ શહેર પણ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી કરી રહ્યું હતું. એ દિવસે એક ઠગે સ્પેશિયલ-26 ફિલ્મની જેમ નકલી બેન્ક ઊભી કરીને રૂ. 28 લાખનું સોનું લઈ ફરાર થઈ ગયો.
દાહોદના નેતાજી બજારમાં આવેલી મહાવીર જ્વેલર્સ શોપમાં પિતા રાકેશકુમાર ગાંધી અને પુત્ર જય ગાંધી બેઠા હતા. પોણા બે વાગ્યે એક વ્યક્તિ આવી અને બોલી કે મારે રથયાત્રામાં સોનાનાં બિસ્કિટ દાનમાં આપવાં છે, જેની ખરીદી કરવાની હોવાનું જણાવી બીજા દિવસે ઉત્કર્ષ સ્મોલ બેન્ક ફાઇનાન્સ ખાતે 10 ગ્રામ સોનાનાં 10 બિસ્કિટ અને 50 ગ્રામનાં બે સોનાનાં બિસ્કિટ સાથે
બોલાવ્યા હતા.
બીજા દિવસે પહોંચેલા પિતા-પુત્ર પાસેથી સુમિત નામની વ્યક્તિએ 200 ગ્રામનાં બિસ્કિટ લઈ લીધાં અને લોકર રૂમમાં જતો રહ્યો હતો અને ત્યાંથી બહારની તરફ ખૂલતા દરવાજાથી ફરાર થઈ ગયો હતો. 10 મિનિટ થવા છતાં તે પાછો ન આવતાં બંને પિતા-પુત્રએ એક મહિલા કર્મચારીને અંદર તપાસ કરવાનું કહ્યું. જેણે બહાર આવી અંદર કોઈ ન હોવાનું જણાવતાં બંને ચોંકી ગયા હતા.
સુમિત અંગે પિતા-પુત્રએ બેન્કના સ્ટાફને પૂછતાં ખુલાસો થયો હતો કે, હકીકતમાં એ બેન્કનો સ્ટાફ જ નહોતો. તેમણે કહ્યું ‘અમને કંઈ ખબર નથી, હું તો અહીં ઇન્ટરવ્યૂ આપવા આવી છું. મને તો શેઠે (સુમિતકુમારે) એવું કહ્યું હતું કે કોઈ પૂછે તો કહેજો અહીં કામ કરું છું, જેથી આપણા ગ્રાહકને સારું લાગે.’
પોલીસે પ્રોપર્ટીના માલિકની પૂછપરછ કરતાં જણાયું કે, સુમિતે કહ્યું હતું કે, અહીં ઉત્કર્ષ ફાઇનાન્સ બેન્કની બ્રાન્ચ ખોલી રહ્યા છીએ, જેના એગ્રિમેન્ટ રથયાત્રાના દિવસે કરીશું. પહેલાં ફર્નિચર કરાવવાનું હોવાનું જણાવી તે ચાવી લઈ ગયો હતો. આમ તેણે ફર્નિચર અને કોમ્પ્યૂટરના વેપારીઓને પણ પોસ્ટ ડેટેડ ચેક આપી છેતર્યા હતા અને એગ્રિમેન્ટ પણ કર્યા નહોતા, જેથી આરોપીની ઓળખના પુરાવા પણ તેમની પાસે નહોતા.


comments powered by Disqus