નવી દિલ્હીઃ દેશનાં ઉત્તર અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ અને પૂર તેમજ ભૂસ્ખલને કાળો કેર વર્તાવ્યો છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, અસમ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી 26 લોકોનાં મોત થયાં છે, જ્યારે સંખ્યાબંધ લોકો ઘવાયા છે કે લાપતા છે.
જમ્મુ-કાશ્મીરમાં સતત મુશળધાર વરસાદ અને વાદળ ફાટતાં આવેલા પૂર, ભૂસ્ખલનથી ભારે નુકસાન થયું છે. આ આપદામાં સૌથી વધુ નુકસાન કારગિલના કરિકીચૂ, બદગામ અને બાંદીપોરાની ગુરેજ અને તુલેલ ઘાટીમાં થયું છે. અહીં અનેક મકાન ધરાશાયી થઈ ગયાં છે અને ઘણા રસ્તા બંધ કરી દેવાયા છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી 23 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 7 લોકો લાપતા છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં સોમવારે અને મંગળવારે થયેલો મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓને પગલે ભારે તારાજી સર્જાઈ છે. આ સિવાય ખડકો પડવાથી જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઇવે બંધ થઈ ગયો છે. આ સિવાય ડોડા જિલ્લાના ડોડા-બટોત નેશનલ હાઇવે પર રેગીનાલા વિસ્તારમાં લેન્ડસ્લાઇડ થતાં ઘણી કારો ક્ષતિગ્રસ્ત થઈ છે.

