વિક્રમ-1ની સફળતામાં સૌરાષ્ટ્રના બે તેજસ્વી તારલાની મહત્ત્વની ભૂમિકા

Tuesday 21st July 2026 14:12 EDT
 
 

અમદાવાદઃ હૈદરાબાદની સ્કાયરૂટ એરોસ્પેસે ભારતનું પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ લોન્ચ કર્યું. ભારતની આ સિદ્ધિમાં આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના બે તારલાની ભૂમિકા પણ ખૂબ મહત્ત્વની છે. ભારતની આ સિદ્ધિમાં જામનગરની પૃથ્વી દિનેશભાઈ સંઘાણી અને ભાવનગરના દર્શન ત્રિવેદીનો પણ સિંહફાળો છે.
જામનગરના વિભાપર ગામના સામાન્ય પટેલ પરિવારની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ સ્કાયરૂટ એરોસ્પેસમાં ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ ટીમ (જીએનસી)માં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કામ કરીને ‘મિશન આગમન' હેઠળ વિક્રમ-1 લોન્ચ વ્હીકલ માટેના ઓટોપાઇલટને ડિઝાઇન અને ડેવલપ કર્યો હતો. ત્યારબાદ શ્રીહરિકોટાથી વિક્રમ-1ના ઐતિહાસિક સફળ પરીક્ષણમાં પૃથ્વીએ સમગ્ર ટીમ સાથે સહભાગી થઈ હતી. પૃથ્વીએ 2019થી 2021 બે વર્ષ માટે DRDL, DRDO હૈદરાબાદ ખાતે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર કામ પણ કર્યું હતું અને વર્ષ 2026માં સ્કાયરૂટ એરોસ્પેસમાં જોડાઈ હતી.
સ્કાયરૂટ દ્વારા કરાયેલો આ ટેસ્ટ પહેલા જ પ્રયાસમાં સફળ રહ્યો આ સફળતામાં ભાવનગરના યુવાન દર્શન ત્રિવેદીનો મહત્ત્વપૂર્ણ ફાળો રહ્યો છે. દર્શન આ સમગ્ર પ્રોજેક્ટમાં રોકેટમાં હેન્ડલિંગના સોફ્ટવેર ઈજનેર તરીકે કાર્યરત્ હતો. દર્શન ત્રિવેદી સ્કાયરૂટ કંપનીમાં છેલ્લા એમ્બેડેડ સોફ્ટેવર ઇજનેર તરીકે ત્રણ વર્ષથી કાર્યરત્ છે અને છેલ્લા 3 માસથી સતત આ રોકેટ પ્રોજેક્ટમાં કાર્યરત્ હતો, તેમજ તેની નીચે 15 અન્ય ઇજનેરો કાર્યરત્ છે. એમ્બેડેડ સોફ્ટવર ઇજનેર આવા રોકેટ જેવાં ઉપકરણના પ્રોગ્રામિંગ કરી તેની સિસ્ટમ નિયંત્રણ કરે અને સાથે જરૂર જણાયે ખાસ સોફ્ટવેર વિકસાવે છે.


comments powered by Disqus