સુરતમાં પૂરગ્રસ્ત વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર

Tuesday 21st July 2026 14:22 EDT
 
 

સુરતઃ 6 જુલાઈએ પડેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને વેપારીઓનો લાખો રૂપિયાનો માલ પલળી ગયો હતો. આ સ્થિતિના પગલે રાજ્ય સરકાર દ્વારા પૂરમાં અસરગ્રસ્ત વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરાઈ છે. પૂરનાં પાણીના કારણે નુકસાની બદલ વેપારીઓને રૂ. 7500થી લઈ રૂ. 1 લાખ સુધીની સહાયની જાહેરાત કરાઈ છે. આ ઉપરાંત વેપારીઓ ફરી પોતાનો ધંધો કરી શકે તે માટે રૂ. 30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની પણ જાહેરાત કરાઈ છે.
રોકડ અથવા વ્યાજ સહાય પૈકી એક લાભ
રાજ્ય સરકાર દ્વારા હાલ સહાયને લઈ જે નિર્ણય કરાયો છે તે સુરત સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં પણ લાગુ પડાશે. સુરતમાં કલેક્ટર કચેરી દ્વારા બે દિવસમાં જ સહાય માટેનાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત કરાશે. મહત્ત્વનું છે કે, રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, વેપારીએ રોકડ સહાય અથવા વ્યાજ સહાયથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે.
એક વર્ષ માટે મનપાના વેરાથી મુક્તિ
જે દુકાન-મકાનને પૂરનાં પાણીથી નુકસાન થયું છે તેને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરાથી પણ મુક્તિની જાહેરાત કરાઈ છે. આ માટે જે-તે સ્થળની ફોટોગ્રાફી અથવા વીડિયોગ્રાફી દ્વારા પુષ્ટિ થશે. આવાં તમામ એકમોને એક વર્ષ માટે મહાનગરપાલિકાના વેરાથી મુક્તિ અપાશે.
રાજ્ય સરકારે દાવો કર્યો છે કે વરસાદ પીડિતો માટે જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે.


comments powered by Disqus